નવી દિલ્હી

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યુઝીલેન્ડના હાથે પરાજય બાદ ભારતીય ટીમની તૈયારીઓ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે જ્યારે ભારતની વિરોધી ટીમ ન્યુઝીલેન્ડે અંતિમ મેચ પહેલા ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમીને પોતાને પરિસ્થિતિઓ અનુસાર તૈયાર કર્યા ત્યારે ભારતીય ટીમે કોઈ પ્રેક્ટિસ મેચ કેમ ન રમી? હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ ફરિયાદ કરી હતી કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ નથી. હવે આ મુશ્કેલી બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે આ ફરિયાદ દૂર કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. BCCIના સેક્રેટરી જય શાહ આ સંદર્ભમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ને વિનંતી કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય બોર્ડના સચિવ, આ અંગે ઇંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ સાથે વાત કરી ચૂક્યા છે અને તેમણે પ્રેક્ટિસ મેચની જરૂરિયાત સમજાવી છે, જે આવનારી પાંચ મેચની મુશ્કેલ ટેસ્ટ સિરીઝ માટે ટીમને તૈયાર કરવામાં મદદ કરશે. ભારતીય ટીમ પાસે ટેસ્ટ સિરીઝની શરૂઆતના બે અઠવાડિયા કરતા વધારે સમય છે અને આ દરમિયાન ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમવા માંગે છે.

બે પ્રેક્ટિસ મેચ માટે ECB સાથે વાત કરશે

વધુમાં મળતી મહિતી મુજબ, જય શાહ ECB અને તેના CEO ટોમ હેરિસન સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા બે વોર્મ-અપ મેચની વ્યવસ્થા કરવા વાત કરશે. સેક્રેટરીને લાગ્યું કે બીસીસીઆઈએ ઇસીબીને વિનંતી કરવી જોઈએ કે, ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમને તૈયારી માટે ઓછામાં ઓછી બે વોર્મ-અપ મેચ રમવાની તક મળવી જોઈએ.

ભારતીય ટીમ 3 જૂને ઇંગ્લેન્ડ પહોંચી હતી, જ્યાં તે 10 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં હતી. અહીંથી ભારતીય ટીમે એકબીજાની અંતર્ગત ટીમમાં કવાયત કરી અને પછી તે ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ઈન્ડિયા ટીમ Aનો પ્રવાસ કરાયો હતો રદ્દ

આ ટૂર પર જવા પહેલાંના કાર્યક્રમ અનુસાર, ભારત ટીમ સાથે ઈન્ડિયા A ટીમ સાથે જવાનું શિડ્યુલ પણ હતું. આ અંતર્ગત, ભારતીય ટીમ અને ઈન્ડિયા A વચ્ચે નોર્થૈપ્ટનશર અને લેસ્ટરશરમાં બે પ્રેક્ટિસ મેચ રમાવાની હતી. જો કે, કોરોનાવાયરસની બીજી લહેરના લીધે બદલાયેલા સંજોગોને કારણે ઈન્ડિયા Aનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમને પ્રેક્ટિસની વધારે તકો નથી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલમાં 20 દિવસની રજા પર છે અને 14 જુલાઈએ લંડન પરત ફરશે, જ્યાંથી તે નોટિંઘમ જવા રવાના થશે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા આ પ્રેક્ટિસ મેચોમાં પોતાનું પરીક્ષણ કરવા માંગશે.