મધ્યપ્રદેશ,

સરકારની કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન નહીં કરનારાઓને હોસ્પિટલમાં વૉલંટિયર તરીકે કામ કરવું પડશે. રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશના એક શહેરમાં માસ્ક વિના જો પકડાયા તો હોસ્પિટલ અને પોલીસ ચેક પોસ્ટ પર વૉલંટિયર તરીકે કામ કરવાનું રહેશે. અધિકારીઓ સાથે બેઠક કર્યા પછી કિલ કોરોના અભિયાન હેઠળ મધ્ય પ્રદેશના આ શહેરના જિલ્લાધિકારી કૌશલેંદ્ર વિક્રમ સિંહે આ ઓર્ડર બહાર પાડ્યો છે. 

જિલ્લાધિકારીએ જણાવ્યું કે, કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા નિયમોનું પાલન નહીં કરવાના કારણે દંડ પણ લગાવવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો માસ્ક વિના બહાર પકડાશે કે પછી કોરોનાના નિર્દેશોનું પાલન કરતા નથી, તો ન માત્ર તેમણે દંડ ભરવાનો રહેશે પણ હોસ્પિટલો અને કોરોના દર્દીની તપાસ કરનારી ક્લિનિકોમાં 3 દિવસ સુધી કામ કરવાનું રહેશે. આ આદેશનો અમલ શરૂ થઇ ગયો છે. પોલીસે માસ્ક વિના ફરી રહેલા 16 લોકોને પકડ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કલેક્ટર વિક્રમ સિંહ અને એસપી નવનીત ભસીન પોતે રસ્તા પર ઉતર્યા અને માસ્ક વિના ફરી રહેલા 16 લોકોને પકડ્યા છે. જેમાંથી 8 લોકોને દંડની સાથે સાથે કોરોના બચાવ કામમાં વૉલંટિયર્સ તરીકે ડ્યૂટી પણ સોંપી દેવામાં આવી છે. તો 8 લોકોને બીમારી અને અન્ય કારણોને લીધે છોડી દેવામાં આવ્યા છે.

કલેક્ટરે કહ્યું કે, અન્ય રાજ્યો, ઈંદોર, ભોપાલથી આવનારા લોકોની સીમા પર તપાસ કરવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારે કિલ કોરોના નામથી એક અભિયાનની શરૂઆત કરી છે. જેના હેઠળ કોરોના દર્દીઓને સામે લાવવા માટે ડોર ટૂ ડોર ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે.