વડોદરા-

ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે રાજીનામું આપ્યા બાદ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કર્યાં બાદ રાજીનામુ પરત ખેંચ્યું છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા બીટીપીના અધ્યક્ષ અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય.

ભાજપના ૨૯થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યા હતા ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યા હતા. ભાજપનું મોવડીમંડળ તેમને મનામણાં કરી રહ્યું હતું. જાેકે તેમણે પક્ષમાંથી અને સાંસદપદેથી રાજીનામું આપી દેવાનો સ્પષ્ટ નિર્ધાર કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે સાગબારા તાલુકા સંગઠનના ૨૯થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ પણ રાજીનામાં આપ્યા હતા.