લખનૌ-

ઉતરપ્રદેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણમાં હવે સરકારી હોસ્પીટલોમાં બેડ ઉપલબ્ધ ન હોય તો તે દર્દીને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવે તો તેનો ખર્ચ રાજય સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથે આ જાહેરાત કરી છે અને ખાસ કરીને કોવિડ પોઝીટીવના ઈલાજમાં દર્દી એક હોસ્પીટલથી બીજી હોસ્પીટલ ભટકે છે. દવા, ઓકસીજન વિ. માટે પણ તલસે છે અને મરે પણ છે તેની ગંભીર નોંધ લેતા રાજય સરકારે હવે સિવિલમાં કે કોઈ સરકારી સુવિધામાં બેડ ખાલી ન હોય અને દર્દીને તાત્કાલીક સારવાર વેન્ટીલેશન કે ઓકસીજનની જરૂર હોય તો તેને ખાનગી હોસ્પીટલમાં સરકાર જ દાખલ કરાવી દેશે અને તેનો નિયત ખર્ચ રાજય સરકાર ઉપાડશે. આ અંગે રાજય સરકારે ખાસ મોનેટરીંગ વ્યવસ્થા દાખલ કરી છે. શ્રી યોગીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમા સ્થિતિની સમીક્ષા કરતા કહ્યું કે ટેસ્ટ કે ટ્રીટમેન્ટ તમામના દર નિશ્ચીત કરાયા છે અને ખાનગી હોસ્પીટલો તે દરે સારવાર કરશે. જો કોઈ હોસ્પીટલ વધુ ખર્ચ કરે તો તેની સામે જીલ્લા પ્રશાસન કામ ચલાવશે.