વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેવા સમયે કોરોડિયા પોળમાં જ્વેલર્સનો શો-રૂમ ધરાવતા માલિક અને તેમના કર્મચારીઓ સહિત આજે વધુ નવા કોરોનાના ૧૩૧ વ્યક્તિઓ ઝપેટમાં આવ્યા હતા. જેથી આ સાથે શહેરમાં કોરોનાના દર્દીઓનો કુલ આંક ૧૦,૨૯૩ પર પહોંચી ગયો છે. કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા સેન્ટ્રલ જેલના કેદી સહિત ૨૦ દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું બહાર આવ્યું છે. ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ બે દર્દીનાં મોત કોરોનામાં થયા હોવાનું સત્તાવાર જાહેર કરતાં કુલ મૃત્યુઆંક ૧૭૧ પર પહોંચી ગયો છે. 

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેર-જિલ્લામાં વિવિધ વિસ્તારોમાંથી ૪૧૪૪ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૪૦૧૩ કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જ્યારે ૧૩૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે શહેરના સોમા તળાવ, માંડવી, મકરપુરા, વારસિયા રિંગ રોડ, માણેજા, સમા, વાઘોડિયા રોડ, આજવા રોડ, તાંદલજા, સુભાનપુરા, દિવાળીપુરા, વડસર, ગોત્રી, વીઆઈપી રોડ સહિત ૨૩ વિસ્તારોમાંથી, જ્યારે જિલ્લાના પાદરા, કરજણ, ડભોઈ, વાઘોડિયા, ડેસર, બિલ, ઊંડેરા, સેવાસી, શિનોર, સાવલી સહિતના વિસ્તારોમાં નવા કેસો નોંધાયા હતા.

કોરોનાની સારવાર માટે વડોદરાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પૈકી વડોદરા સેન્ટ્રલ જેલમાં ગુનાની સજા ભોગવતા ૩૫ વર્ષીય કેદીને ખેંચની બીમારની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કેદીનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતાં જે પોઝિટિવ આવ્યો હતો, જ્યાં એમઆઈસીયુમાં સારવાર હેઠળ કેદીનું મોત થયું હતું. તેના અંતિમસંસ્કાર ખાસવાડી સ્મશાન ખાતે કોરોનાની ગાઈડલાઈન મુજબ કરાયા હતા. જૂના પાદરા રોડ રાજપથ સોસાયટીમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા હતા. તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા, તે દરમિયાન અચાનક તેમની શારીરિક તકલીફ વધી જતાં તેમનું આજે સવારે મોત થયંુ હતું. માંજલપુર એલ.જી.નગરમાં રહેતા પટેલ પરિવારના સંબંધી કોરોના સંક્રમિત બન્યા હતા. જેથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમને અંતિમશ્વાસ લીધો હતો. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ ગામે રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધને શરદી, ખાંસી, તાવ આવતાં તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતાં જે પોઝિટિવ આવ્યો હતો. તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ સાથે ૨૦ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આજે ૧૦૭ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૮૭૨૯ દર્દીઓ કોરોનામાંથી મુક્ત થયા છે. હાલ શહેરમાં ૧૩૯૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ૧૫૮ ઓક્સિજન પર, ૬૧ વેન્ટિલેટર પર અને ૧૧૭૬ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાથી મૃતકોની અંતિમક્રિયા-દફનવિધિ માટે સ્મશાનો અને કબ્રસ્તાનોમાં લાંબી કતારો

વડોદરા ઃ વડોદરામાં કોરોનાના દર્દીઓના આંકડા તેમજ મૃત્યુની સંખ્યા તંત્ર દ્વારા છૂપાવવામાં આવતી હોવાના આક્ષેપો અનેક વખત થયા છે પરંતુ કોરોનાની સ્થિતિ પણ વડોદરામાં ભયાવહ છે. સામાન્ય રીતે કોરોનાના દર્દીઓના અંતિમસંસ્કાર રાત્રિના અને ગેસચિતામાં કરવામાં આવે છે. પરંતુ સ્મશાનમાં વેઈટિંગ હોય છે અને ગેસચિતા સાથે લાકડાંમાં પણ અંતિમસંસ્કાર કરાઈ રહ્યા છે. રાત્રે ખાસ કરીને ખાસવાડી સ્મશાનમાં એમ્બ્યુલન્સની કતાર લાગેલી જાેવા મળી રહી છે. ઉપરાંત કબ્રસ્તાનોમાં પણ દફનવિધિ માટે લાંબો સમય રાહ જાેવી પડે એવા સંજાેગો નિર્માયા છે. વડોદરામાં કોરોનાથી અત્યાર સુધી તંત્ર દ્વારા સત્તાવાર મૃત્યુઆંક ૧૭૧ દર્શાવાયો છે પરંતુ બિનસત્તાવાર મૃત્યુઆંક તેનાથી અનેકગણો વધુ છે. કોરોના કે શંકાસ્પદ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમવિધિ નિયમ મુજબ શહેરના ચાર સ્મશાનોમાં અંતિમવિધિ કરાય છે પરંતુ ગેસચિતામાં કલાકો સુધી વેઈટિંગ હોઈ લાકડાં પર અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.