મહુધા, તા.૭ 

મહુધાના વાસણા ખાતેની સસ્તા અનાજની દુકાનદાર દ્વારા કાર્ડધારકોને પૂરતો જથ્થો ન આપી મનમાની ચલાવતાં દુકાનદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવા ગુજરાત અન્ન અને નાગરિક પૂરવઠાના નિયામકને લેખીત રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા અને મહુધા પૂરવઠા વિભાગે તપાસ હાથ ધરતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. વાસણાના દુકાનદાર દ્વારા ગત એપ્રિલ માસમાં ચણા નોહતાં આપ્યાં, જ્યારે જુલાઇ માસમાં કાર્ડધારકોને અપૂરતો જથ્થો અપાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. ગામના ભોપેન્દ્ર સોઢા અને દિલીપ સોઢા દ્વારા નિયામકને ઇ-મેલ દ્વારા ગામના સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે રજૂઆત કરી હતી. આ મામલે જિલ્લા અને મહુધા પૂરવઠા વિભાગ દ્વારા વાસણા સસ્તા અનાજની દુકાન ખાતે બપોરે ૧૨ કલાકે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ૪૦ ઉપરાંત કાર્ડધારકોને સ્થળ પર બોલાવી ઊલટતપાસ તેમજ તેઓના નિવેદનો નોંધવામાં આવ્યાં હતા. સરકાર દ્વારા જૂન માસમાં વિના મૂલ્યે આપવાનો જથ્થો દુકાનદાર દ્વારા અપૂરતો અપાયો હોવાનું કાર્ડધારકોએ જણાવ્યું હતું. એટલું જ નહિ. પરંતુ એપ્રિલ માસમાં કાર્ડધારકોને ચણા પણ આપવામાં આવ્યા ન હતાં, જેથી ગ્રામજનો દ્વારા અન્ન અને નાગરિક પૂરવઠાના નિયામકને ઇ-મેલ કરી રજૂઆત કરવામાં આવી હતી.  

નાયબ નિયામક દ્વારા ગત ૧૪ જુલાઇના રોજ પત્ર દ્વારા જિલ્લા પૂરવઠા અધિકારીને સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું હતું. જાેકે, કાર્ડધારોકાના આક્ષેપ મુજબ, કટકીબાજાે દ્વારા નાયબ નિયામકના પત્રની અવગણના કરી તપાસ કરવામાં આવતી ન હતી. આખરે જિલ્લા પૂરવઠા વિભાગ સહિત મહુધા પૂરવઠા વિભાગને સાથે રાખી સ્થળ તપાસ હાથ ધરી હતી. મોટા ભાગના કાર્ડધારકોએ પુરતું અનાજ ન મળતું હોવાનું પોતાના નિવેદનમાં લખાવ્યું હતું. આવનાર દિવસોમાં દુકાનદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે કે કેમ તે જાેવું રહ્યું.