આણંદ, તા.૨૬  

રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘર આંગણે સ્વાસ્થ્ય તપાસણીનો અનેરો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. જિલ્લાના અંતરિયાળ અને ઊંડાણ વિસ્તારના ગામોના છેવાડાના ગ્રામજનોને ઘરે બેઠાં આરોગ્ય સેવાનો લાભ મળી શકે અને તેમની આરોગ્યલક્ષી તપાસ થઈ શકે અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને વહેલામાં વહેલી તકે સમયસર સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી ધન્વંતરી રથની શરૂઆત કરવામાં આવી છે. 

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્‍ય જિલ્લા આરોગ્ય અધિકારી ની રાહબરી ૨૬ જેટલા ધન્વંતરી રથ હાલ જીલ્લાનાં ગામડાઓ અને શહેરી વિસ્‍તારો ખુંદી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યાં છે. જિલ્લાના વિવિધ  ગામોને આ રથનો લાભ મળ્યો છે, જેમાં ૩૭,૬૨૮ લોકોની આરોગ્ય તપાસ કરી સારવાર આપવામાં આવી છે. ૮૧૬૯ ૬૦થી વધુ ઉંમરની વ્‍યકિતઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૩૦,૩૬૯ વ્‍યકિતઓને રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટેના ડોઝનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. 

આ ધન્વંતરી રથમાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટોર દ્વારા આરોગ્યની કામગીરી કરવામાં આવી રહી છે. આ રથ કયા ગામે ક્યારે બનશે તેની જાણકારી સંબંધિત ગામનાં આરોગ્ય વર્કર તેમજ આશા બહેનોને અગાઉથી આપવામાં આવે છે, જેથી ગ્રામજનોને અને તેની જાણકારી જાણકારી મળી રહે. ધન્વંતરી રથ મોબાઈલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગરજ સારે છે. 

કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ધન્વંતરી આરોગ્ય રથ તંત્ર દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો તેમજ ૧૦ વર્ષથી નાના બાળકો અને છેવાડાના ગામમાં રહેતા લોકોને ઘરઆંગણે આરોગ્ય સારવાર મેળવવા સહિતની બાબતોને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ધનવંતરી રથ ગ્રામજનો માટે આશીર્વાદ સમાન પૂરવાર થશે.