વડોદરા, તા.૮ 

રેલવેના નવાયાર્ડ નજીક નવા કન્ટેઈનર યાર્ડમાં બપોરના સમયે કન્ટેઈનર લિફ્ટિંગ ક્રેઈનમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી હતી. આ બનાવની જાણ થતાં છાણી ટીપી-૧૩ અને વડીવાડી ફાયર સ્ટેશનના સ્ટાફે પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરા રેલવે નવાયાર્ડ પાસે નવા બનાવાયેલા કન્ટેઈનર યાર્ડમાં કન્ટેઈનર લોડિંગની કામગીરી દરમિયાન લોડિંગ ક્રેઈનમાં અચાનક આગ લાગી હતી. ક્ષણોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં છાણી ટીપી-૧૩થી લાશ્કરો ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા, જ્યારે રેલવે પોલીસ પણ દોડી આવી હતી. આગ વધુ વિકરાળ હોઈ વડીવાડી ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જાે કે, આગ કયા કારણોસર લાગી તેની સ્પષ્ટતા થઈ શકી નહોતી.