અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં સાસુ વહુના ઝગડામાં પુત્રએ પત્નીનો પક્ષ લઈ જનેતાને મોતને ઘાટ ઉતારતા ભારે ચકચાર મચી છે. માલપુર તાલુકાના ભેમપોડા ગામે સાસુ-વહુના ઝગડાથી કંટાળી વહુએ તેના પતિની મદદથી વૃદ્ધ સાસુને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હત્યાનું પાપ છુપાવવા ગામ નજીક કુવામાં નાખી દીધી હતી. વૃદ્ધાની લાશ મળી આવતા માલપુર પીઆઈ એફ. એલ. રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી પ્રાથમિક તપાસમાં વૃદ્ધાની હત્યા પુત્ર-પુત્રવધુએ કરી હોવાનું બહાર આવતા બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. માલપુર તાલુકાના ભેમપોડા ગામે જમકુબેન શનાભાઈ ખાંટ તેમના પુત્ર સોમાભાઈ અને તેની પત્ની મીનાક્ષી બેન સાથે રહેતા હતા. પુત્રવધુ મીનાક્ષી સાથે વૃદ્ધાને પુત્રના ઘરે પારણું ન બંધાતા વારંવાર પુત્રવધુ મીનાક્ષીબેનને મહેણાં ટોણા મારતા હોવાથી ઝગડાથી કંટાળેલ પુત્ર સોમાભાઈ અને તેની પત્ની મીનાક્ષીએ જમકુબેનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની અને સાસુની હત્યા છુપાવવા પુત્ર-પુત્રવધુએ વૃદ્ધાની લાશને ગામ નજીક કુવામાં નાખી દઈ જાણે કંઈ જ ન બન્યું હોય તેમ ઘરે આવી ગયા હતા..શનિવારે જમકુબેનની લાશ કુવામાં તરતી હોવાની જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.