મહુધા : મહુધા તાલુકા પંચાયત દ્વારા તલાટીઓનો વર્ષ ૨૦૧૫માં મંજૂર થયેલાં ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ મોકલવામાં ૪ વર્ષનો સમયગાળો કાઢવા મામલે ગાંધીનગર હિસાબી શાખા વિભાગ દ્વારા તાલુકા પંચયત મહુધા પાસે ખુલાસો માગવામાં આવતા તા.પંચાયતના કર્મીઓ ગુંચવણમાં મૂકાયાં છે.

સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓનો ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવામાં આવ્યંંુ હતું, જેમાં મહુધા તાલુકામાં ફરજ બજાવી ચુકેલાં તેમજ ફરજ પરનાં કેટલાંક તલાટીઓનો સમાવેશ થતો હતો. મહુધા તાલુકા પંચાયત દ્વારા આ કર્મીઓની ફાઇલ તૈયાર કરી ગાંધીનગર ખાતે મોકલ્યાં બાદ પગાર પંચના ફેરફાર પ્રમાણેની રકમ મળવા પાત્ર થતી હોય છે. ત્યારે મહુધા તાલુકા પંચાયતના કર્મીઓ દ્વારા નિવૃત્ત તલાટીઓની ફાઇલો ચાર-ચાર વર્ષ સુધી તૈયાર કર્યા વિના મૂકી રાખવામાં આવી હતી. ત.ક. મંત્રીના જણાવ્યાં પ્રમાણે પાંચમું, છઠ્ઠું અને સાતમું પગાર પંચ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ મહુધા તાલુકા પંચાયતના કર્મીઓ દ્વારા કેટલાંય નિવૃત્ત તલાટીઓની ફાઇલો યેન કેન પ્રકારે દબાવી રાખવામાં આવે છે. તેઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૫માં ઉચ્ચતર પગાર ધોરણનો હુકમ મેળવ્યો હતો. જે ફાઇલ મહુધા તાલુકા પંચાયતના કર્મીઓને ભાઇ-બાપા કર્યા બાદ વર્ષ ૨૦૧૯માં ગાંધીનગર ખાતે મોકલવામાં આવી હતી. હવે ગાંધીનગર હિસાબી શાખા દ્વારા તે ફાઇલ ૪ વર્ષ મોડી મોકલવા મામલે ખુલાસો માગી વર્ષ ૨૦૧૯માં જ તા.પ. મહુધા ખાતે પરત મોકલવામાં આવી હતી. આખરે ગાંધીનગર હિસાબી શાખા દ્વારા તા.પં.ના કર્મીઓનો કાન મરડવામાં આવતાં ખુલાસા સાથે ફાઇલ મોકલવાની જગ્યાએ આજે પણ તે ફાઇલો મહુધા તાલુકા પંચાયતમાં ફરી ગોથે ચઢી છે.

બીજી તરફ નિવૃત્ત કર્મીઓને મહુધા તાલુકા પંચાયતના ફોગટ ફેરા ખવાડાવી તા.પં.ના કર્મીઓ ખોટા દિલાસા આપી રહ્યાં છે. નેતાઓને પોતાના આકા માનતાં મહુધા તાલુકા પંચાયતના કર્મી સામે શિક્ષાત્મક પગલાં ભરી ઉચ્ચતર પગાર ધોરણની અટવાયેલી ફાઇલોનંુ સત્વરે નિરાકરણ લાવવામા આવે તેવી માગ પ્રબળ બની છે.