ભાવનગર-

હજીરાથી પ્રસ્થાન થયેલી ઘોઘા-હજીરા રો રોપેક્સ ફેરી સર્વિસ ઘોઘા આવી પહોંચી હતી. જેના સ્વાગત માટે સાંસદ ડો.ભારતીબેન શિયાળ, મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ શિપ બ્રેકરો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિવારથી પ્રારંભ થયેલી ફેરી સર્વિસમાં કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા ઘોઘા પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રીબીન કાપી ઘોઘાથી અવરજવરનો પ્રારંભ કરાયો હતો. આ તકે મનસુખ માંડવીયાએ કહ્યું કે, આ રોપેક્સ ફેરી સર્વિસ એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ છે. આ ફેરી સર્વિસના કારણે વિકાસ, વ્યાપાર, વ્યવહાર અને સંબંધોને નવી ઊંચાઈ મળશે. ભારત સરકારમાં ગુજરાતના પ્રતિનિધિ રહી અને ખાસ ભાવનગરના વતની છે. ત્યારે તેમના માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ તેઓએ ગણાવી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે પેસેન્જરોની ખુશી પણ પ્રધાનોએ અલગ અંદાજમાં વર્ણવી હતી. તેમજ આગામી સમયમાં મુંબઇથી પણ રોપેક્સ ફેરી શરૂ કરી હજીરા, ભાવનગર, દિવ વગેરેને જળમાર્ગે જોડી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. હજીરાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટેની દિવાળીની અમૂલ્ય ભેટ સમાન રો રોપેક્સ ફેરી સર્વિસને વડાપ્રધાન દ્વારા હજીરાથી વર્ચ્યુઅલ ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યા બાદ કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા આ ફેરી સર્વિસમાં ભાવનગર પહોંચ્યા હતા. જ્યાં તેનું સાંસદ સહિતના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યારે આ ફેરી સર્વિસના પ્રારંભે આવી પહોંચેલા મુસાફરોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.