મહેસાણા-

મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના શબ્દ સંશોધન કેન્દ્ર આશ્રમમાં મહંત શપ્ત સૂનેએ રવિવારે રાતે ૧૧ કલાકે સમાધિ લેવાની જાહેરાત કરી હતી. જાેકે, તેનો નાટ્યાત્મક અંત આવ્યો છે અને તે સમાધિ લઇ શક્યા નથી.

મહંત રાતે ૧૦થી ૧૧ વાગ્યા સુધી મંચ પર ધ્યાનમાં શાંત બેઠા હતા. પરંતુ કલાક બાદ પણ સમાધિ ન થતા અંતે બોલ્યા હતા. હવે ખાડો કરી આપો હું સમાધિ લેવા તૈયાર છું. મને કુદરતી રીતે અનુભવ થયો હતો કે જીવ ચાલ્યો જશે પરંતુ એવું ન થયું. હું ભક્તોની માફી માંગુ છું. કાનૂની જે કાંઇપણ સજા હોય તે ભોગવવા તૈયાર છું. હવે હું ભક્તિ છોડી દઇશ.આજના બનાવથી મને ખૂબ દુઃખ થયું છે. ગમે તેમ કરી મને સમાધિ આપો તેવી મહંતે અપીલ કરી હતી.

આ ઘટનાને પગલે વિજ્ઞાન જાથાની ટીમ અને ગામના તલાટીએ આ મહંત પર ગુનો દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી હતી. વિજ્ઞાન જાથાના જયેશ પંડ્યાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર પોતાના તરંગોને કારણે દેહત્યાગની જાહેરાત કરે અને હજારો લોકોને ભ્રમમાં નાંખે, અંધશ્રદ્ધા ફેલાવે તે માફ કરવા યોગ્ય નથી. સૌપ્રથમ તો તેણે સમાધિની જાહેરાત કરી છે તે જ ગુનો છે. આજે વિજ્ઞાન જાથા એસપી અને કલેક્ટરને રજૂઆત કરીશું કે, આની સામે પહેલા ગુનો દાખલ કરો, અમે ફરિયાદી થવા માટે તૈયાર છીએ. કોઇપણ મંજૂરી લીધા વગર આટલા બધા લોકોને ભેગા કર્યા છે, કોરોનાની ગાઇડલાઇનના નિયમોના ધજીયા ઉડાવ્યા છે. સામાન્ય કોઇપણ માણસ હોય તો તંત્ર તેની પર કાર્યવાહી કરે છે તો આવા બનાવોમાં પણ કાર્યવાહી થવી જાેઇએ.