આણંદ : આગામી માસમાં યોજાનારા આણંદ પાલિકાના ચૂંટણી જંગના પડધમ શરૂ થઇ ગયાં છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેનાં પગલે ભાજપ દ્વારા બે દિવસ પૂર્વ સેન્સ લેવાયાં બાદ આણંદમાં ત્રણ જૂથમાં વહેંચાયેલ ભાજપમાં બે જૂથ દ્વારા સત્તાની સાઠગાંઠ રચી માનીતાઓને ટિકિટ મળે તેવો તખતો ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પાર્ટીના અંતરંગ સૂત્રોનું કહેવું છે કે, આ તખતો ગોઠવવા પાછળ સત્તા મળતાં પૂર્વ ભેંસ ભાગોળે છાશ છાગોળે જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કહ્યાંગરા પ્રમુખ બનાવવાના ઊભા કરાયેલાં તખતાનો મુદ્દો પક્ષમાં ચર્ચાની એરણે ચડ્યો હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી અનુસાર, આગામી માસમાં યોજાનાર આણંદ નગરપાલિકા જંગ માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેનાં પગલે બે દિવસ પૂર્વ ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતાં, પરંતુ આ વખતના જંગમાં ભાજપ દ્વારા પાલિકામાં છેલ્લા દશકથી વકરેલા ભ્રષ્ટાચારના કારણે મોટાપાયે નો રિપીટ થિયરીની શક્યતાં ઊભી થઈ છે. યુવા કાર્યકરોએ પણ ટિકિટની દાવેદારી કરતાં પક્ષ ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો હોવાની ચર્ચા ઊઠવા પામી હતી. જોકે, સેન્સ લેવાયાં બાદ પેનલ પ્રદેશ કક્ષાએ રજૂ કરવા પૂર્વે માનીતાને ટિકિટ મળે તેવાં આશયથી બે જૂથ દ્વારા સત્તાની સાઠગાંઠ સાથે અત્યારથી જ તખતો ગોઠવવામાં આવી છે. હજું ચૂંટણી જંગને એક માસ બાકી છે ત્યારે જાણે સત્તા મળવાની જ હોય તેમ અત્યારથી જ કહ્યાંગરાને પ્રમુખ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અલબત્ત, આણંદ ભાજપમાં ભેંસ ભાગોળે ને છાશ છાગોળેની સ્થિતિ ઊભી થઈ હોવાની ચર્ચા પક્ષના કાર્યકરોમાં સાંભળવા મળી હતી! 

અત્રે ઉલ્લેખનીય છે કે, એક બાજું પાલિકાના ભ્રષ્ટાચારના મુદ્દે એસીબી ચાર્જશીટ રજૂ કરવાના મૂડમાં છે, તો બીજી બાજુ બે જૂથ દ્વારા શરૂ થયેલી માનીતાને ટિકિટના ખેલ સાથે કહ્યાંગરાને પ્રમુખ બનાવવાના ગોઠવાયેલાં તખતાના અરમાનો પર નારાજ થયેલું ત્રીજું જૂથ પાણી ફેરવે તો નવાઈ નહીં! આ સ્થિતિ જોતાં અંદરોઅંદરની લડાઈમાં કોઇક બહાના ફાવી જશે, તેવી ચર્ચાએ જોર પકડયું છે.