ભોપાલ-

મધ્ય પ્રદેશનાં ઇતિહાસમાં પહેલીવાર મંગળવારનાં શિવરાજ કેબિનેટની વર્ચુઅલ બેઠક થઈ. આમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કોરોના સારવાર દરમિયાનનાં પોતાના અનુભવ જણાવ્યા. કોવિડ-૧૯ની સારવાર કરાવી રહેલા શિવરાજે કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું. સતત કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

તેમણે કહ્યું કે, હાૅસ્પિટલમાં ચા ખુદ બનાવી રહ્યો છું અને પોતાના કપડા પણ ખુદ ધોઈ રહ્યો છું. કોરોના સ્વાવલંબન શીખવે છે. કોરોનાથી બિલકુલ ડરવાની જરૂર નથી. મારા હાથે ફ્રેક્ચર થયું હતુ અને મને પણ ફિઝિયોથેરેપીની જરૂર હતી, પરંતુ હાૅસ્પિટલમાં કપડા ધોવા દરમિયાન હાથની મૂવમેન્ટ સતત થઈ રહી છે, જેના કારણે હાથમાં પણ ઘણો આરામ મળ્યો છે.

શિવરાજ કેબિનેટની પહેલી વર્ચુઅલ બેઠકમાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા. આ અંતર્ગત ચંબલ એક્સપ્રેસ વે પ્રોજેક્ટનું નામ ચંબલ પ્રોગ્રેસ વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ મંત્રી વિભાગોનો સંકલ્પ ૧૫ ઑગષ્ટ સુધી રજૂ કરશે. તમને જણાવી દઇએ કે ૨ દિવસ પહેલા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને ભોપાલનાં કોવિડ કેર સેન્ટર ચિરાયુ હાૅસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ પણ ફોન કરીને શિવરાજ સિંહ ચૌહાણનાં હાલચાલ પુછ્યા હતા.