દિલ્હી-

કોરોના વાયરસના સંક્રમણ મામલે દેશના મોટાભાગના રાજ્યોમાં સ્થિતિ નિયંત્રણમાં જણાઇ રહી છે, પરંતુ કેરળમાં મોટી સંખ્યામાં નવા કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે જેના લીધે દેશના કુલ કેસોની સંખ્યામાં ઘડાટો થઇ રહ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકાડો અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ ૪૪,૬૫૮ નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી ૬૭.૧૯ ટકા એટલે કે ૩૦,૦૦૭ કેસ માત્ર કેરળના છે.

કેરળમાં નવા કોરોનાના કેસો જ વધી રહ્યાં નથી, પરંતુ કોરોનાને લીધે થતાં મોતનો આકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને લીધે ૪૯૬ લોકોના મોત થયા છે, જેમાંતી ૧૬૨ લોકો માત્ર કેરળના જ છે. છેલ્લા ઘણા સમયથી કેરળમાં કેસો વધી રહ્યાં છે, જેના લીધે દેશમાં એક્ટિવ કેસોમાંથી અડધાથી વધુ કેસ માત્ર કેરળના જ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૧,૧૭૪નો વધારો થયો છે અને હવે દેશમાં એક્ટિવ કેસોનો આંકડો વધીને ૩,૪૪,૮૯૯ સુધી પહોંચી ગયો છે. કુલ એક્ટિવ કેસમાં લગભગ ૫૩ ટકા એટલે કે, ૧,૮૧,૭૪૭ કેસ માત્ર કેરળમાં જ છે.