રાજકોટ-

ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેરને જ કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને આવતીકાલે એટલે કે ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સનું ઇ ખાતમુહૂર્ત થનાર છે. જેને લઈને એઇમ્સ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા ખાતમુહૂર્ત સ્થળની મુલાકાત લેવા માટે પહોચ્યાં હતા. આવતીકાલે સવારે 10 કલાકે રાજકોટ એઇમ્સના ઇ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાનાર છે. જેના માટે વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં લાગ્યું છે.

71 હજાર સ્કવેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. 22,500 સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ તૈયાર કરાશે. 2500 સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ તેમજ કોન્ફરન્સ હોલ, 3700 સ્કવેર મીટરમાં 250 વ્યક્તિના સમાવેશ સાથેનું નાઈટ શેલ્ટર, 650 સ્કવેર મીટરમાં 14 રૂમનું ગેસ્ટ હાઉસ, 12000 સ્કવેર મીટરથી વધુ એરિયામાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરવામાં આવશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજનું શિક્ષણ કાર્ય 21 ડિસેમ્બર 2020 ના રોજથી શરુ થયું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેન્ચથી કરવામાં આવી છે. આવતી કાલે (ગુરુવાર)ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઈમ્સનુંમ ઈ ખાતમુહૂર્ત કરશે.