વડોદરા,તા.૨૪  

વડોદરામાં રાષ્ટ્રીય સમાજ પક્ષ - આરએસપીના તમામ અગ્રણીઓ બાહુબલી રાજેશ આયરેના પક્ષપલ્ટા પછીથી પણ તમામ અગ્રણીઓ સક્રિય રહીને એક્શનમાં આવી ગયા છે. તેમજ વડોદરા પાલિકાની આગામી ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓમાં આરએસપી શહેરના તમામ ૧૯ ઈલેક્શન વોર્ડની ૭૬ બેઠકો પરથી ચૂંટણીઓ લડનાર છે. પત્રકારો સાથેની વાતચીતમાં કાર્યકારી નેતા નલિન મહેતાએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં આરએસપી પંદર બેઠકો પર ચૂંટણી લાધ્યું હતું. તેમજ ચાર બેઠકો અંકે કરી હતી. આ વખતે તમામે તમામ ૭૬ બેઠકો પર ઝંપલાવીને દશથી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.

આ પ્રસંગે પક્ષના અગ્રણીઓ નીલશાન વિનોદ સોલંકી, સંજય વાઘમારે, સંદીપ ગઢવી, વિષ્ણુ શર્મા અને ઇન્દુબેન રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના તમામ વોર્ડમાં આરએસપી પેનલ બનાવીને ચૂંટણી લડશે. આ ઉમેદવારોની યાદી અને પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને આગામી દિવસોમાં આખરી ઓપ અપાશે. અલબત્ત નલિન મહેતા સંગઠનની જવાબદારી નિભાવવાના હોઈ ચૂંટણી લડનાર નથી. પરંતુ જાે પક્ષ આદેશ કરશે તો લડશે એમ ઉમેર્યું હતું. આરએસપી દ્વારા આજથી શરુ કરાયેલ ચૂંટણીની કામગીરીમાં વડોદરા શહેરની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૨૦ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત મહિલા મોરચાની ૧૪ સભ્યો સાથે રચના કરાઈ છે. એની સાથોસાથ છ વોર્ડ પ્રમુખો અને એક વોર્ડના જનરલ સેક્રેટરીની વરણી કરાઈ છે.