વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાયેલ ચૂંટણીઓના ૨૩ ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી -ભાજપના ૬૯ કાઉન્સિલરો વિજેતા બન્યા હતા. વડોદરા મહાનગર પાલિકાના ૧૯ ઈલેક્શન વોર્ડમાં ૭૬ કાઉન્સિલરોનું સંખ્યાબળ છે. જે પૈકી કોંગ્રેસના માત્ર સાત સભ્યો ચૂંટાઈ આવ્યા છે. ત્યારે અણધારી,અકલ્પનિય સાફસલતાને લઈને ભાજપમાં ઉચ્ચ હોદ્દદાને માટે દાવેદારો વધી ગયા હતા.ચૂંટણીના પરિણામના દિવસથી જ રાજકીય ગુરુઓના શરણે જઈને વિજેતા કાઉન્સિલરોએ પોતપોતાની દાવેદારી કરી ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય એના માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે. ત્યારે હવે ૧૦મી માર્ચના રોજ મેયર,ડેપ્યુટી મેયર,સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના દંડકને માટે કોનો હાથ ઉપર રહેશે.એ જાેવું રહ્યું. ઉચ્ચ નેતાના પદ માટે કોનો હાથ ઉપર રહેશે? ગોઠવાયેલ શતરંજની બાજી કોણ મારી જશે?એને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો ગણતરીના કલાકોમાં અંત આવશે.ત્યારે પોતપોતાના ચોકઠાં ગોઠવનારાઓ બંધ કવર ખુલતા પહેલા જ ગેલમાં આવી ગયા છે. હવે જયારે વિજેતા કાઉન્સિલરો પોતપોતાના દાવાઓ કરી રહયા છે.ત્યારે બીજી તરફ વડોદરા પાલિકાના હોદાઓમાં સંગઠનની ગોઠવણ કે ધારાસભ્યોની કુનેહ કામ આવશે? એતો કવર ખુલ્યા પછીથી જ ખબર પડશે.એમાં કોથળામાંથી બિલાડું નીકળયા જેવો ઘાટ ઘડાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં. આ બધી બાબતો અને અટકળોને લઈને મોડી રાત સુધી મેયર-ડેપ્યુટી મેયર-સ્થાયી અધ્યક્ષ- શાસક પક્ષના નેતા કોના જૂથના બનશે એની અટકળો તેજ બની રહી હતી.તેમજ એને માટે મોટી શરતો પણ લાગી હતી.

ભાજપના સંગઠને જે ચોકઠાં વડોદરા પાલિકાના ઉચ્ચ હોદ્દાઓને લઈને ગોઠવ્યા છે.એમાં મનોજ પટેલ ઉર્ફે મંછોને મેયરપદ, હેમીષા ઠક્કરને ડેપ્યુટી મેયરપદ, સ્થાયી સમિતિના અધ્યક્ષપદે ચિરાગ બારોટ અને શાસક પક્ષના નેતાપદે નિલેશ રાઠોડનું નામ મુકવામાં આવ્યું હતું. મંછાને માટે સંગઠને જે ગોઠવણ કરીને નામો પર મંજૂરીની મહોર મારવાને માટે પ્રયાસ કર્યો હતો.એમાં ધારાસભ્ય સહ નર્મદા મંત્રી યોગેશ પટેલ સાથે ગોઠવણ કર્યાનું ચર્ચાય છે. યોગેશ પટેલના નજદીકી એવા નિલેશ રાઠોડને પદ આપીને મંછાને મેયર પદ આપવાને માટે તેઓને રાજી કરી દીધા હતા. જાેકે યોગેશ પટેલના અંગત એવા નિલેશ રાઠોડને શાસક પક્ષના નેતા બનાવવા સામે ધારાસભ્ય મનીષા વકીલે અજિત દધીચિનું નામ આગળ ધર્યાનું ચર્ચાય છે. તેમજ ડેપ્યુટી મેયરપદને માટે હેમીષા ઠક્કરનું નામ આગળ ધર્યું છે. જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષપદને માટે ચિરાગ બારોટનું નામ અકોટાના ધારાસભ્યો સીમા મોહિલિ આગળ ધર્યું છે. સંગઠન દ્વારા શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકી સાથે ધારાસભ્યો સાથે ગોઠવણ કર્યાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ અને વડોદરાના જ ધારાસભ્ય રાજુ ત્રિવેદી અને જીતુ સુખડીયા સંગઠને કરેલી મનોજ પટેલ ઉર્ફે મંછોને મેયર બનાવવાની ગોઠવણ ઉંધી પાડવાને માટે તખ્તો ગોઠવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એવી પણ ચર્ચાઓએ જાેર પકડ્યું છે કે, સંગઠનને ગોઠવણમાં મનોજ પટેલ ઉર્ફે મંછાને મેયરપદે બેસાડવાને માટે હા પાડનાર ધારાસભ્યો અંદરખાને એને ઇચ્છતા નથી.

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને ધારાસભ્ય જીતુ સુખડીયા મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષપદને માટે પરાક્રમસિંહ જાડેજા, ડો.હિતેન્દ્ર પટેલ, કેયુર રોકડીયાના નામો આગળ ધરી રહયા છે. જ્યારે ડેપ્યુટી મેયરપદને માટે સ્નેહલ પટેલ,નંદા જાેશી તથા તેજલ વ્યાસનું નામ આગળ ધાર્યું છે. આમાંથી કોણ બાજી મારી જાય છે.એ જાેવું રહ્યું. ધારાસભ્યોની કુનેહ કે પછીથી સંગઠનની ગોઠવણ એના પર સૌની નજર છે.

ભાજપે તમામ વિજેતા કાઉન્સિલરોને સવારે કાર્યાલય ૫ર બોલાવ્યા, જ્યાં મેન્ડેટ જાહેર કરાશે

વડોદરા મહાનગર પાલિકાના ચૂંટાયેલા કાઉન્સિલરો ભલે મેયર ,ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી અધ્યક્ષની વરણી સવારે ૧૧ કલાકે ગાંધી નગરગૃહ ખાતે કરવાના હોય.પરંતુ એ પહેલા ભાજપના કાઉન્સિલરોને સવારે સાડા નવ કલાકે શહેર ભાજપના

સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા છે.જ્યાં મેન્ડેટ જાહેર કરાશે. જાે કે છેલ્લી ઘડી સુધી ભાજપની પારણામેન્ટરી બોર્ડની બેઠકમાં શું રંધાયું એ અધ્યાહાર જ રહેવા પામ્યું છે. જેને લઈને છેલ્લી ઘડી સુધી વિવિધ પદોને લઈને અટકળો તેજ બની છે.

આ વખતે પણ હોદ્દેદારોની પસંદગી મતદારોના હિસાબે નહીં, પણ પક્ષના ચોક્કસ નેતાઓની !

વડોદરા મહાનગર પાલિકાની વર્ષ ૨૦૧૫ની ચૂંટણીઓમાં પણ મતદારોની પસંદગીના ઉમેદવારને ઉચ્ચ હોદ્દાઓ આપવાને બદલે ચોક્કસ નેતાઓના અંગત અને કહ્યાગરાઓને હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી હતો.વર્ષ ૨૦૨૧ની વડોદરા પાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં આ વખતે પણ હોદ્દેદારોની પસંદગી મતદારોની નહીં, પણ પક્ષના ચોક્કસ નેતાઓની પસંદગીના આધારેજ થશે એમ ચોક્કસપણે મનાઈ રહ્યું છે.મોટાભાગના રાજકીય પંડિતો દ્રઢપણે આ બાબતને માની રહ્યા છે. તેમજ તેઓની આ શંકા સો એ સો ટકા સાચી પડશે એવું ૫૬ની છાતી ઠોકીને કહી રહ્યા છે.

ગત પાંચ વર્ષનો શૂન્યાવકાશ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થઈ શકશે ખરો?

વર્ષ ૨૦૧૫માં વડોદરા પાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. ગત પાંચ વર્ષમાં ભાજપનું પાલિકામાં શાસન હતું.ત્યારે એ પાંચ વર્ષના સમયગાળામાં પ્રજાલક્ષી કામગીરીનો ધરાર શૂન્યાવકાશ જાેવા મળી રહ્યો છે. બલ્કે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. જાે કે તેમ છતાં ગત ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીમાં એનાથી પણ વધુ બહુમતી પ્રાપ્ત કરીને ભાજપના શાસકો જયારે સત્તા સ્થાને બિરાજમાન થનાર છે.એવા વખતે એવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જાેર પકડ્યું છે કે ગત પાંચ વર્ષનો શૂન્યાવકાશ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરી શકે એવા હોદ્દેદારોની નિમણુંક કરાશે? કે પછીથી એમાં પરિવર્તનના સ્થાને પુનરાવર્તન થશે?