વડોદરા : વડોદરા શહેરમાં આજે દિવસ દરમિયાન વાદળિયા માહોલ વચ્ચે છૂટોછવાયો ઝરમર વરસાદ બાદ સાંજે પવન સાથે અડધા કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાદરા તાલુકામાં આજે દિવસ દરમિયાન દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

બે દિવસ પહેલાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદ બાદ છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. આજે સવારથી વાદળિયા માહોલ વચ્ચે છૂટોછવાયો ઝરમાર વરસાદ થયો હતો. પરંતુ સાંજના ૪.૩૦ વાગ્યાની આસપાસ કાળાડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અન પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં રવિવારની રજામાં સાંજે બહાર નીકળવાનું આયોજન પર પાણી ફરી વળશે તેવી શક્યતા વચ્ચે અડધા કલાકમાં ર૦ મિ.મી. એટલે કે લગભગ એક ઈંચ વરસાદ ખાબકતાં શહેરના જેલરોડ, એસ.એસ.જી. હોસ્પિટલ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, ચાર દરવાજા વિસ્તાર, ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતા ચોક, મધ્યવર્તી સ્કૂલ પાસે સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા હતા. તો બીજી તરફ કોરોનાની ફીકર વગર ફરી લોકો ફરવા માંડયા છે. તયારે રવિવારની રજામાં એલેમ્બિક રોડ પર આવેલા મોલની બહાર કારની લાંબી કતારો લાગી હતી. મોલમાં લોકો ઉમટતાં પાર્કિંગ માટે વેઈટિંગ હોવાથી મોલ બહાર કારની લાંબી કતારો લાગી હતી.

જાે કે, અડધો કલાક ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ પાળતાં ગણતરીના સમયમાં પાણી ઉતરી ગયાં હતાં. પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી ઉતર્યા ન હતા. વડોદરા ઉપરાંત પાદરા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાન ૨૪.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા જે ૯ર ટકા અને હવાનું દબાણ ૧૦૦૪ મિલિબાર્સ તેમજ દક્ષિણ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૫ કિ.મી. નોંધાઈ હતી.

ક્યાં કેટલો વરસાદ થયો

કરજણ ૦૩ મિ.મી.

ડભોઈ ૦૬ મિ.મી.

ડેસર ૧૦ મિ.મી.

પાદરા ૪૦ મિ.મી.

વડોદરા ૨૦ મિ.મી.

વાઘોડિયા ૧૯ મિ.મી.

શિનોર ૧૪ મિ.મી.