સિડની

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 વિકેટે 96 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 338 રન કર્યા હતા અને ટીમ ઈન્ડિયા હજી તેનાથી 242 રન પાછળ છે. બીજા દિવસના અંતે ચેતેશ્વર પૂજારા 9 અને અજિંક્ય રહાણે 5 રને અણનમ છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ લીધી છે. 

રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી.જોશ હેઝલવુડે પોતાની જ બોલિંગમાં રોહિતનો રિટર્ન કેચ પકડ્યો હતો. હેઝલવુડે પોતાના 30મા જન્મદિવસે રોહિતને આઉટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી.રોહિતે 77 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. તેની આ વિદેશમાં ઓપનર તરીકે પ્રથમ ઇનિંગ્સ હતી.

એશિયાની બહાર 92 ઇનિંગ્સ પછી ભારતીય ઓપનિંગ જોડી ક્રિઝ પર 20 ઓવરથી વધુ સમય ઊભી રહી છે. આ પહેલાં ડિસ્મેબર 2010માં ગંભીર અને સહેવાગે સેન્ચુરીયન ખાતે 29.3 ઓવર બેટિંગ કરી હતી. આજે રોહિત અને ગિલે 27 ઓવર બેટિંગ કરી.શુભમન ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા. તે કમિન્સની બોલિંગમાં ગલીમાં કેમરૂન ગ્રીન દ્વારા કેચ આઉટ થયો હતો.