વડોદરા/અમદાવાદ,તા.૧૧ 

સમગ્ર રાજ્યના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સાથેની મંત્રણાઓ પડી ભાગતા ભાંગતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ રાજ્યના આરોગ્ય કર્મચારીઓ આવતીકાલથી તા. ૧૨ જાન્યુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી રહ્યા છે.

એટલું જ નહી સરકાર દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવામાં નહિ આવે તો તેઓ કોરોના રસીકરણની કામગીરીમાં અસહકાર દાખવીને રસી લેશે નહિ અને આપવાની કામગીરી પણ કરશે નહિ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પગાર ગ્રેડ, પ્રમોશન સહિતના વિવિધ મુદ્દાઓ લાંબા સમયથી પડતર હતા. જેના અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ -ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારને વર્ષ ૨૦૧૮ થી વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. એટલું જ નહી બે વખત હડતાલ માટે સમાધાન પત્રો પણ કરાયા હતા. આ મામલે આજે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ અને રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સરકાર તરફથી આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો અંગે કોઈ પણ પ્રકારનું સમાધાન થયું ન હતું. જેના કારણે ગુજરાત આરોગ્ય મહાસંઘ દ્વારા આવતીકાલથી એટલે કે, તા. ૧૨-૦૧-૨૦૨૧ થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આવતીકાલથી ગાંધીનગરના સેકટર- ૬ ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ પ્રતિક ઉપવાસ અને ધરણાના કાર્યક્રમ યોજાશે.

જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જાેડાશે

રાજ્ય આરોગ્ય મહામંત્રી સંઘ દ્વારા પડતર માંગણીઓ ન સંતોષાતા અચોક્ક્‌ક્સ મુદતની હડતાલનું એલાન જાહેર કરાયું છે. જેને પાદરાના આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ટેકો જાહેર કરેલ છે અને સમર્થન આપી પાદરા તાલુકાના ૭ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય કર્મચારીઓ મેલ તેમજ ફીમેલ આરોગ્ય કર્મચારી, સુપરવાઈઝર, લેબોરેટરી ટેકનીશીયન, ફાર્માસીસ્ટ જેવા કર્મચારી મળી કુલ ૮૦ કર્મચારીઓ હડતાળ પાડી આરોગ્યલક્ષી કામ કરશે નહિ અને હડતાળમાં જાેડાઈ ટેકો આપશે એમ અગ્રણીઓએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ શું કહે છે?

રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા જણાવાયુ છે કે, કોવિડ-૧૯ અંતર્ગત આંદોલન સમયગાળા દરમિયાન અસહકાર દાખવીને રાજ્યના આરોગ્ય કર્મચારીઓ કોરોનાની રસી લેશે નહિ. તેમજ આરોગ્ય કર્મચારીઓ રાજ્ય સરકારના કોરોનાની રસીકરણની કામગીરીમાં કોઈને રસી આપશે પણ નહિ, તેવી ચીમકી પણ ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

જિલ્લાની આશાવર્કર બહેનોએ કોરોના વેક્સિનનો બહિષ્કાર કર્યો

સમગ્ર દેશમાં ૧૬મી જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં સૌ પ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સને વેકિસન આપવામાં આવશે. પરંતુ જિલ્લાની ફ્રન્ટલાઈન વર્કર્સ એવી આશાવર્કર બહેનો કોરોના વેક્સિનનો બહિષ્કાર કરી રહ્યાં છે. આજે જમીનીસ્તરની લોકો સાથેની સીધી કામગીરીમાં જાેડાયેલી આશાવર્કર બહેનોએ તેમની માગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. વડોદરા જિલ્લાની આશાવર્કર બહેનોએ કોરોનાની રસી મૂકવાનો બહિષ્કાર કરવાની રજૂઆત સાથે ૪૦થી વધુ આશાવર્કર બહેનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લાં કેટલાંક વરસોથી ઉચ્ચક પગારે આશાવર્કર બહેનો કામગીરી રહી રહી છે. ૧૦ વર્ષથી વધુ સમય થવા છતાં કોઈને કાયમી કરાયા નથી કે પગાર પણ વધારવામાં આવ્યો નથી અને આશાવર્કર બહેનોનું શોષણ થઈ રહ્યું છે. આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે, સરકારી કાર્યક્રમો હોય કે પછી અન્ય યોજનાઓમાં આશાવર્કર બહેનો પાસે જ કામગીરી કરાવવામાં આવે છે. સરકારે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે આશાવર્કર બહેનોને વેક્સિન આપવાની જાહેરાત કરી છે પરંતુ કોરોના વેક્સિનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ કામગીરી આશાવર્કભર બહેનોની પાસે કરાવવામાં આવે છે તે યોગ્ય નથી તેમ પણ રજૂઆતમાં જણાવ્યું હતું.