ગોધરા : કાલોલમાં તાજેતરમાં જ કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતો પાસેથી ખાતરના વધુ ભાવ લેવાતા હોવાનું આવેદનપત્ર આપવાના ચોવીસ કલાક પણ થયા નથી, તો પણ કાલોલમાં ખાનગી ડેપોના વેપારીઓ દ્વારા યુરિયા ખાતરના વધુ ભાવ લેવાતો હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.  

કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામના ખેડૂત જયેશભાઈ મયજીભાઈ પરમાર શુક્રવારે કાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ રામદેવ ખાતર ડેપોમાં યુરિયા ખાતર લેવા માટે ગયા હતા ત્યારે તેઓની પાસે રૂ. ૩૩૦ વસુલવામાં આવ્યા હતા, જ્યારે બિલ રૂ.૨૭૦નું આપવામાં આવ્યું હતું. જે અંગે ખેડૂતે વાંધો ઉઠાવતા ખાતરની દુકાનના માલિકે જણાવ્યું કે ખાતરની સાથે તમને દવાની બાટલી આપવામાં આવે છે તેના પૈસા કાપ્યા છે, પરંતુ ખેડૂતોને ફોગટની દવાની કોઈ જરૂર નથી. જે મામલે ખેડૂતોને દવા નહીં તો ખાતર પણ નહીં મળે અને બિલ પણ નહીં મળે તેવું જણાવી ખેડૂતોને હડધૂત કરવામાં આવ્યા હતા. જે સમગ્ર મામલે ખેડૂતોએ મામલતદારને ડેપો મેનેજર વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી યુરિયા ખાતરને મામલે ખેડૂતોને કરવામાં આવતું શોષણ બંધ કરાવવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ કોંગ્રેસ દ્વારા ગઈકાલે જ ભાવ વધવાની બાબત ધ્યાનમાં આવતા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમ છતાં પણ કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ આ ખાનગી ખાતર ડેપોના વેપારી દ્વારા ખેડૂતોને લૂંટવાનો પરવાનો મેળવી લીધો હોય એ રીતે ખેડૂતોને હડઘુત કરવાનું વર્તન કરતા સમગ્ર મામલે આશ્ચર્ય સર્જાયું હતું. આ ખેડૂતોની રજુઆત બાબતે કાલોલ મામલતદાર કચેરીનો સંપર્ક કરતા મામલતદાર વિભાગે ખેડૂતોની રજુઆત જિલ્લા ખાતે કવોલેટી કંટ્રોલ વિભાગને મોકલી આપી હોવાનું જણાવ્યું હતું અને ક્વોલિટી કન્ટ્રોલ વિભાગ તપાસ થશે તેવી હૈયાધારણાઓ અપાઇ હતી.