વડોદરા, તા.૨૩ 

એમ.એસ.યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી એસવાયબીકોમના વિદ્યાર્થીઓને મોકટેસ્ટ માટે યુઝર આઈડી અને પાસવર્ડ મોકલવા અને મોકટેસ્ટની તારીખ પાછળ લઈ જવાની માગ વિદ્યાર્થી સંગઠને કરી છે. એજીએસયુ (ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન) દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, એમ.એસ.યુનિ. કોમર્સ ફેકલ્ટી એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓનો મોકટેસ્ટ હતો. જેમાં લગભગ ર૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી યુઝર આઈડી અને પાસવર્ડ નથી મળ્યા તેમજ આઈડી પાસવર્ડ યુનિવર્સિટી દ્વારા એક દિવસ અગાઉ રાત્રે એટલે કે ગણતરીના ૧૦ કલાક પહેલાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો, જેમાં ઘણાં વિદ્યાર્થીઓને જાણ જ નથી કે તેમનો મોકટેસ્ટ છે. યુનિ.ની આવી લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે? યુનિવર્સિટીના નબળા તંત્રને કારણે વિદ્યાર્થીઓ ચિંતિત થઈ ગયા છે. તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તો વહેલી તકે યુનિવર્સિટી દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવે અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે કે મોકટેસ્ટ શા માટે લેવામાં આવે છે અને યુનિ. દ્વારા મોકટેસ્ટની તારીખ પાછી લઈ જવામાં આવે તેવી માગ કરી છે.