તેલ અવીવ

પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા. આ હુમલામાં એક ભારતીય મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે. જે ગત વર્ષથી ઈઝરાયેલમાં રહેતી હતી અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ હમાસને આતંકી સંગઠન ગણે છે.


ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું છે કે હમાસે રહેણાંક વિસ્તારમાં લગભગ 130 રોકેટ છોડ્યા છે અને જેરૂસેલમમાં ભારે હિંસા આચરી. આવા જ એક રોકેટ હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું પણ મોત થયું. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટમાં કહેવાયું છે કે એક રોકેટ સૌમ્યાના ઘર પર જઈને પડ્યું. જેના કારણે તેમનું મોત થયું. તેમના પરિવારમાં 9 વર્ષનો પુત્ર અને પતિ છે.


ભારતમાં ઈઝરાયેલના રાજદૂત ડો.રોન મલકા તરફથી ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી અપાઈ છે. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે ઈઝરાયેલ તરફથી હું સૌમ્યા સંતોષના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તે હમાસના આતંકી હુમલામાં માર્યા ગયા. અમારું હ્રદય રડી રહ્યું છે. એક 9 વર્ષના બાળકે આ ક્રુર આતંકી હુમલામાં પોતાની માતાને ગુમાવી દીધી.