ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની મહામારીએ પોતાનો કેર વર્તાવ્યો છે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સાંજે પત્રકાર પરિષદ સંબોધીને કેટલીક જાહેરાતો કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન નહિ લાગે તેવું જણાવ્યું હતું. જયારે કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના દરમાં મોટો ઘટાડો કરાયો હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને અનુલક્ષીને ઓક્સિજનના એક્સપોર્ટ અને અન્ય કોઈ પણ પ્રકારના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

રાજ્યમાં વધતા જતા કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે તેને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન લગાવવાની શક્યતાઓની સંભાવના જાેવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સાંજે યોજેલી પત્રકાર પરિષદમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાને ફગાવી દીધી હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાથી કોરોનાની ચેન તૂટી જાય તેવું કોઈ વૈજ્ઞાનિક પણ કહેતા નથી. સંપૂર્ણ લોકડાઉનથી લોકોના વેપાર ધંધાને અસર પડશે તેમજ કોઈ પણ રાજ્ય સંપૂર્ણ લોકડાઉનને લાદવા માટે સહમત થશે નહિ તેમ પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

રાજ્યની ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટેની કિંમતમાં ઘટાડો કરીને નવી કિંમત નક્કી કરાઈ છે. હવે આરટીપીસીઆરના ટેસ્ટિંગની કિંમત ઘટાડીને રૂ. ૭૦૦/ કરાઈ છે. અત્યાર સુધી ઘરેથી આરટીપીસીઆરના ટેસ્ટિંગ માટે રૂ. ૧૧૦૦/ની રકમ વસુલવામાં આવતી હતી, તેમાં રૂ.૨૦૦/નો ઘટાડો કરાયો છે, એટલે કે ઘરે કે હોસ્પિટલમાંથી ટેસ્ટિંગ કરાવવા ઇચ્છતા હોય તો તો તે માટે રૂ. ૯૦૦/નો જ ચાર્જ વસુલવાનો રહેશે. કોઇ વ્યક્તિ લેબોરેટરી પર ટેસ્ટ કરાવે તો અત્યાર સુધી રૂ. ૮૦૦નો ચાર્જ થતો હતો તેમાં રૂ. ૧૦૦નો ઘટાડો કરીને રૂ. ૭૦૦ કરાયો છે. માં-વાત્સલ્ય કાર્ડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ કાર્ડની મુદ્દત માર્ચ માસમાં પૂર્ણ થઈ છે, તેવા કાર્ડના ધારકો માટે તેની મુદતને ત્રણ મહિના માટે વધારો કરાયો છે. હવે આગામી ત્રણ મહિના સુધી માં - વાત્સલ્ય કાર્ડ એક્સપાયર થયું હશે તો પણ કાર્ડ ચલાવવાનું રહેશે. તે અંગે પણ સરકાર દ્વારા ર્નિણય લેવાયો છે.

રાજ્યમાં ઓક્સિજનની સ્થિતિ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઓક્સિજનનાં એક્સપોર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગુજરાતમાં ઉત્પાદિત થતો તમામ ઓક્સિજન માત્ર અને માત્ર આરોગ્ય હેતુસર જ ઉપયોગમાં લેવાય છે. જયારે ઓક્સિજનના ઔદ્યોગિક વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ઓક્સિજનનું ઉપ્તાદન વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.