જામનગર-

જામનગરનો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલનો વધુ એક સાગરીત જશપાલ જાડેજાને જામનગર પોલીસે ઝડપી પાડ્યો છે. સાગરીત જશપાલ પર ૩ કરોડની જમીન ખોટી રીતે પચાવી પાડવાનો આરોપ છે.

આ પહેલા જામનગરના ચકચારી અપહરણ-ખંડણી કેસમાં નામચીન રજાક સોપારીના રીમાન્ડ મેળવવા એસઓજીએ ઉપલી અદાલતમાં ૧૦ દિવસના રીમાન્ડ માટે કરેલી રીમાન્ડની રીવિઝન અરજી ન્યાયાધીશે મંજુર કરી ત્રણ દિવસના રીમાન્ડ આપ્યા છે. એસ.પી. દીપેન ભદ્રનની ખાસ ટીમે ભૂમાફિયા જયેશ પટેલ સુધી ગાળિયો વધુ કસાઈ તે માટે એક પછી એક જયેશ પટેલના સાગરીતોને ઝડપી અને રિમાન્ડ પર લઇ રહ્યા છે. પોલીસ હાલ જયેશ પટેલના અન્ય સાગરિતો અને તેનાથી જયેશ પટેલ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર સહિત રાજ્યભરમાં ભારે ચર્ચાસ્પદની ઘટનાની વિગત એવી છે કે, જામનગરના અગ્રણી બિલ્ડર ગિરીશભાઇ ડેર ઉપર ફાયરિંગ કરવા અંગેના પ્રકરણમાં જામનગરના જ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પ્રકરણમાં જયેશ પટેલના મુખ્ય સાગરિત મનાતા રજાક દાઉદ ઉર્ફે રજાક સોપારી ફરારી જાહેર કરાયો હતો. જે બાદ એસઓજીના પીઆઇ એચ.પી.દોશી અને સ્ટાફે રજાકની ધરપકડ કરી અદાલત સમક્ષ રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. અદાલતમાં નામચીન રજાકને ૧૦ દિવસના રીમાન્ડ પર લેવા રીવિઝન અરજી કરી હતી. જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતાં રજાકની ત્રણ દિવસની પોલીસ રીમાન્ડની માંગણી મંજૂર કરી હતી.