જામનગર-

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા નવા નિયમોના કારણે અનેક પૂર્વ કોર્પેરેટરોને ઉમેદવારો નહીં બનાવવાના કારણે પાર્ટીમાંથી રાજીનામાંની ભરમાર થઈ ગઈ છે.

ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા અને પાંચ વખત કોર્પોરેટર રહી ચૂકેલા અને પૂર્વ ડેપ્યુટી મેયર કરમુરને આ વખતે ઉમેદવાર જાહેર ના કરવામાં આવવાના કારણે પોતાનું અને પોતાના સમાજનું અપમાન માનીને ગુરુવારે રાત્રે પાર્ટી સાથે છેડો ફાડી દીધો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમની સાથે અન્યાય કરતા પૂર્વ કોર્પોરેટરના સબંધી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જે બાદ શુક્રવારે સાંજે તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા. આ સિવાય વોર્ડ ૩ના પૂર્વ કોર્પોરેટર ઉષા કંટારિયા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષના પુત્ર આશિષ કંટારિયાએ લોહાણા સમાજ સાથે અન્યાયનો આરોપ લગાવ્યો હતો. જ્યારે વોર્ડ ૭ના પૂર્વ કોર્પોરેટર મિત્તલ ફળદૂએ સ્વયંને નજરઅંદાજ અને મામા ગોપાલ સોરઠિયાને ઉમેદવાર બનાવવાથી નારાજગી વ્યક્ત કરીને અને વોર્ડ ૬ના પૂર્વ કોર્પોરેટર જ્યોતિ ભારવડિયાએ પતિ સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો છે.