જામનગર-

શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને આર્મીના નિવૃત્ત કર્મચારીને નાણાં રોકવાની લાલચ આપી ૩૩ લાખ રૂપિયા લઇ બે મહિલા સહિત સાત શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. તેમજ અન્ય વ્યક્તિઓના ૨.૭૭ કરોડ મળી ૩ કરોડ અને બીજા શહેરોમાંથી આ જ રીતે આશરે ૭ કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરાવી કુલ રૂા.૧૦ કરોડની છેતરપિંડી આચર્યાની નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શેરબજારમાં નાણાંનું રોકાણ કરાવી પૂષ્કળ ફાયદો અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડીના બનાવમાં પીએન માર્ગ પર આવેલા નિયોસ્કેવરમાં જી-૩૯ ઓફિસમાં ઓમ ટ્રેડીંગના નામે શરૂ થયેલી પેઢીના સંચાલક અને કર્મચારીઓ દ્વારા જુદાં-જુદાં વ્યક્તિઓને શેરબજારમાં રોકાણ કરાવી ચોકકસ વળતર અપાવવાની લાલચ આપી આશરે ૧૦ કરોડની ઉચાપાત આચરી હતી. આ પેેઢી દ્વારા જામનગરમાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપસિંહને ચોકકસ વળતરના નામે લાલચ આપી સમયાંતરે રૂ.૩૩ લાખનું રોકાણ ઓમ ટ્રેડીંગમાં કરાવ્યું હતું.

નિવૃત્ત આર્મીમેન સહિત જામનગરના અંદાજે ૬૦ થી ૬૫ જેટલા રોકાણકારો પાસેથી રૂ.૩,૧૦,૨૫,૦૦૦નું રોકાણ ઓમ ટ્રેડીંગના સંચાલકોએ કરાવ્યું હતું. ત્યારબાદ આ રોકાણકારોને વળતર આપવામાં ધાંધિયા કરવામાં આવ્યાં હતાં. જેથી નિવૃત્ત આર્મીમેન સહિતના રોકાણકારો દ્વારા ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણાં પરત મેળવવા માટેના પ્રયાસો થતા ઓમ ટ્રેડીંગના હિરેન મહેન્દ્ર ધબ્બા, મહેન્દ્ર ધબ્બા, જય મહેન્દ્ર ધબ્બા, આશાબેન હિરેન ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસિફ બસીર શેખ અને એકાઉન્ટન્ટ સંગીતાબેન સહિતના સાત કર્મચારીઓનો સંપર્ક ન થવાથી નાણાંની ઉચાપાત થયાનું જણાતા રણવીર પ્રતાપસિંહે આ બનાવ અંગે સાત શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણાંધારકોની યાદી બનાવી તપાસ હાથ ધરતા આ પ્રકરણમાં જામનગર જિલ્લાના આશરે ૬૫ જેટલા લોકોએ નાણાં રોકયા હોવાનું તેમજ આ રકમ ૧૦ કરોડ જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે મહેન્દ્ર જમનાદાસ ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, સંગીતાબેન મેઘરાજ તથા તોસિફ શેખ નામના ચાર શખ્સોને ઝડપી લઇ ફર્નિચર તેમજ બે એસી કબ્જે કરી બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.