વડોદરા : ચૂંટણીના બંદોબસ્તમાં રોકાયેલ પોલીસ તંત્ર ચૂંટણીઓ પત્યા બાદ હાશકારો અનુભવે એ પહેલાં જ શહેરમાં હંમેશા ટ્રાફિકથી ધમધમતા અને લોકોની અવર જવરવાળા જુના પાદરા રોડ ઉપર રાજવી ટાવરમાં દિનદહાડે જ્વેલર્સના શો રૃમના માલિક ઉપર હુમલો કરી લૂંટનો બનાવ બન્યો હતો.

રાજવી ટાવરમાં કૃપા જ્વેલર્સના શો-રૂમના માલિક ઉપર લૂંટારૂએ ચાકૂથી જીવલેણ હુમલો કરીને શો-રૂમમાંથી સોનાના દાગીનદ્ભની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જાેકે લૂંટારૂ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારૂ કોઇ જાણભેદુ હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

શો-રૂમના માલિક રાજેશભાઇ રમણભાઇ સોની છે. મૂળ પાદરાના વતની અને હાલ જૂના પાદરા રોડ પર પરિવાર સાથે રહેતા ૫૫ વર્ષિય રાજેશભાઇ સોની બપોરના ૧૨ઃ૩૦થી ૧ વાગ્યાની આસપાસ પોતાના શો-રૂમમાં હતા. તે સમયે એક વ્યક્તિ શોરૂમમાં ધસી આવ્યો હતો અને રાજેશભાઇ સોની કંઇ વિચારે તે પૂર્વે ફિલ્મી ઢબે તેઓ ઉપર ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો અને શો-રૂમના ડિસ્પ્લે તેમજ બે ડ્રોઅરમાં મૂકેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં ફરાર થઇ ગયો હતો.

 બીજી બાજુ શો-રૂમમાંથી ચિસો અને અવાજ ઉઠતા અન્ય દુકાનો અને શો-રૂમના માલિકો-કર્મચારીઓ થતાં દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ જે.પી. રોડ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તે સાથે અડિશનલ સી.પી., ડી.સી.પી. ક્રાઇમ, એ.સી.પી., ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે પ્રથમ લોહીલુહાણ હાલતમાં શો-રૂમમાં બેસી રહેલા અને ગળાના ભાગે ચાકૂનો ઘા વાગતા ગંભીર ઇજા પામેલા રાજેશભાઇ સોનીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.

 પોલીસની પ્રાથમિક તપાસમાં શો-રૂમના માલિક રાજેશભાઇ સોની અને જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર વચ્ચે લગભગ એકથી દોઢ કલાક સુધી પહેલા ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન લૂંટારાએ જીવલેણ હુમલો કરી શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હોવાનું મળ્યું હતો. જેથી પોલીસનું માનવું છે કે, નાણાંની લેવડ-દેવડમાં હુમલાખોરે હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગે ડી.સી.પી. કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મા કૃપા શો-રૂમમાં બપોરના સમયે એક વ્યક્તિ ધસી આવ્યો હતો અને રાજેશભાઇ સોની ઉપર જીવલેણ હુમલો કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ લૂંટનો ભેદ ઉકેલવા માટે શો-રૂમ સહિત આસપાસમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હાલ જે.પી. પોલીસ મથકમાં અજાણી વ્યક્તિ સામે લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ ઉપર નજર

જ્વેલર્સના શો-રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ પોલીસ ધ્યાનથી જાેઇ તપાસી રહી છે જેમાં લાંબા સમય સુધી હુમલાખોર અને સોની વચ્ચે શાંતિ પૂર્વક વાતચીત ચાલતી હોવાનું નજરે પડે છે. જ્યારે આસપાસના લોકોએ રાજેશ સોની નાણા ધીરધારનો ધંધો પણ કરતો હોવાનું જણાવતાં પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.