વડોદરા, તા.૪ 

બે રાજકીય આગેવાનો વચ્ચે ઊભા થયેલા વેરઝેર ધીરેધીરે ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યું છે. વાઘોડિયાના ધારાસભ્યે એમની સામે ચૂંટણી લડેલા રાજકીય આગેવાન સામે પોલીસની ખોટી કાર્યવાહી કરાવી હોવાના આક્ષેપને લઈને કરણીસેનાના આગેવાન રાજ શેખાવતની મીડિયા સમક્ષ કરેલા ઉચ્ચારણોને કારણે ક્રાઈમ બ્રાન્ચે આજે શેખાવતની અટકાયત કરી હતી, જેના ઉગ્ર પ્રત્યાઘાતો પડશે એવું માનવામાં આવી રહ્યું છે.

શહેર નજીક રણોલી ખાતે ટ્રાન્સપોર્ટના કંપાઉન્ડમાંથી ડીઝલ ચોરીના મુદ્દે ઝડપેલી ટેન્કરના મામલે રાજકીય આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઈશારે થઈ હોવાનો આરોપ વાઘેલાએ લગાવ્યો હતો અને પોલીસની કાર્યવાહી પહેલાં ધારાસભ્યને જાણકારી કેવી રીતે મળી એવો સવાલ ઉપસ્થિત કરી રાજકીય દબાણ હેઠળ પોલીસે કામગીરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્ષત્રિય હોવાથી એમની તરફેણમાં કરણીસેના મેદાનમાં ઊતરી આવી છે અને કલેકટરને આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ યોજ્યો હતો જેમાં અમદાવાદથી કરણીસેના આગેવાન રાજ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે મીડિયા સમક્ષ શેખાવતે ‘જા હું પોલીસને કહી દેવા માગું છું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અટકાયત થઈ તો ધ્યાન રાખે કે આખું વડોદરા ભડકે બળશે અને આમાં વડોદરામાં આંદોલન થશે’ એવા ઉચ્ચારણોની શહેર પોલીસે ગંભીર નોંધ લીધી હતી.આ બાબતે ઉશ્કેરણીજનક અને ધમકીભર્યા ઉચ્ચારણો બદલ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી નરોડા-અમદાવાદથી રાજેન્દ્રસિંહ શ્રણવસિંહ શેખાવતની અટકાયત કરી વડોદરા લવાયા હતા. જેને લઈને કરણીસેના પણ હવે મેદાનમાં ઉતરે એવા સંજાગો ઊભા થયા છે.