વડોદરા, તા. ૧૩

દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ માટે યોજાતી જેઈઈ એડવાન્સ પરીક્ષા પહેલા લેવામાં આવતી જેઈઈ મેઇનનું પરિણામ આજરોજ જાહેર કરાયું હતું. જેમાં વડોદરા શહેરમાંથી અંદાજે ૯૦૦૦થી વધારે વિદ્યાર્થી પૈકી ૫૦૦૦થી વધારે વિદ્યાર્થી જેઈઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા હોવાનું જાણવા મળે છે. જયારે વડોદરાના વિદ્યાર્થી કાર્તિક બસંતે ૯૯.૯૯ પર્સેન્ટાઈલ સાથે શહેરમાં ટોપ કર્યું હોવાનું મનાય છે.

ધો.૧૨ પછી આઈઆઈટી સહિત દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજાેમાં પ્રવેશ માટે જેઈઈ મેઈન અને એડવાન્સની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેમાં પહેલા જેઈઈ મેઈન લેવામાં આવે છે. જેમાં ક્વોલિફાય થનાર વિદ્યાર્થી એડવાન્સ પરીક્ષા આપી શકતા હોય છે. ત્યારે વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રવેશ માટે લેવામાં આવતી જેઈઈ મેઇનનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજરોજ જાહેર કરવામાં આવેલા પરિણામમાં વડોદરા શહેરના લગભગ ૯૦૦૦થી વધારે વિદ્યાર્થી પૈકી ૫૦૦૦થી વધારે એડવાન્સ માટે ક્વોલિફાય થયા હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, જેઈઈ એડવાન્સ માટે લગભગ ૯૦ પર્સેન્ટાઈલ જેટલુ કટ ઓફ છે.

આજરોજ જાહેર થયેલા પરિણામમાં વડોદરાના વિદ્યાર્થી કાર્તિક બસંતે ૯૯.૯૯ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. વડોદરાના ટોપર કાર્તિક બસંતે જણાવ્યું હતું કે, હું કોઈ પણ સોશિયલ મીડિયા સાઈટસ પર નથી અને મારુ માનવુ છે કે, તેનો ઉપયોગ નિયંત્રણમાં જ કરવો જાેઈએ. નહીંતર તેની અસર અભ્યાસ પર થઈ શકે છે. મારી મહેનત અનુસાર સારું પરિણામ આવશે તેવી આશા હતી પરંતુ આટલું સારું આવશે તેવી ધારણા ન હતી. આજે આવેલા પરિણામ માટે મેં ભગવાનનો આભાર માન્યો હતો અને માતા પિતાને પગે લાગ્યો હતો. સામાન્ય રીતે વિદ્યાર્થી શું વાંચવું તેનું ટાઈમ ટેબલ બનાવે છે. મેં એવં કોઈ ટાઈમ ટેબલ બનાવ્યું ન હતું કે રોજ શું વાંચવું, પરંતુ હો રોજ ૧૦થી ૧૨ કલાક વાંચતો હતો અને તે લક્ષ્ય પૂરું કરતો હતો. મારી સફળતા માટે મારા શિક્ષકોનું માર્ગદર્શન અને રેગ્યુલર ટેસ્ટના પરિણામો ફળદાયી નીવડ્યા છે.

કાર્તિકે વધુમાં જણાવ્યું હતું કે, હું જેઈઈ એડવાન્સ પાસ કરીને આઈઆઈટીમાં કોમ્પ્યુટર એન્જિનયિરિંગનો અભ્યાસ કરવા માગું છું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓની પાછળ તેમના પિતાનુ નામ રહેતુ હોય છે પણ મારી પાછળ માતા સુલોચનાબેનનુ નામ છે. મારી માતા શિક્ષક છે અને પિતા બસંતભાઈ બેન્કમાં નોકરી કરે છે. કાર્તિકના માતા-પિતાનું માનવુ છે કે, બાળકોના ઉછેર અને ઘડતરમાં માતાનુ યોગદાન વધારે હોય છે એટલે અમારો આગ્રહ હતો કે કાર્તિકના નામની પાછળ સુલોચનાબેનનુ નામ રહે.