વડોદરા : ૧૯ વર્ષીય યુવતી ઉપર ગુજારાયેલ અમાનુષી બળાત્કાર બાદ યુવતીના આપઘાતને આજે આઠ દિવસ બાદ પણ પોલીસ ગેંગરેપ છે કે રેપ એ નિષ્કર્ષ ઉપર પહોંચી શકી નથી. ત્યારે રિમાન્ડના ચોથા દિવસે પોલીસે ચારે સાહેદોનું અદાલતમાં ૧૬૪ મુજબનું નિવેદન લેવડાવ્યું હતું. બપોર બાદ ચાર વાગ્યે આરોપીઓેને લઈને ઈલોરા પાર્ક વ્રજભૂમિ એપાર્ટમેન્ટ ખાતે પોલીસ પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

માતાના અવસાન બાદ છેલ્લાં ૯ મહિનાથી પી.જી.માં રહેતી અને કોલ સેન્ટરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી ૧૯ વર્ષીય યુવતી સાથે બનેલી બળાત્કારની ઘટનામાં પોલીસે બંને નરાધમોને સાથે રાખી આજે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. જે ફલેટમાં યુવતી સાથે દારૂની મહેફિલ માણી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યાં પોલીસે બંનેને સાથે રાખી ઝીણવટભરી પૂછપરછ કરી તમામ જરૂરી વિગતો એકત્રિત કરી હતી. શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ગત સપ્ટેમ્બર ૨૦૨૦થી પરિવારથી અલગ રહેતી હતી. પીડિતા નેશનલ લેવલ પર કબડ્ડી રમી ચૂકી છે. પરિવારથી અલગ રહેતી હોવાથી ગુજરાન ચલાવવા માટે તેણીએ એક કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેણીની સાથે કામ કરતા સહકર્મચારીઓ દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝા સાથે તેમની મિત્રતા બંધાઈ હતી.

ગત ૮ જૂનના રોજ સાંજના સમયે પીડિતા તેણીના ફલેટ પર હાજર હતી ત્યરે સાંજે પાંચ વાગ્યાની આસપાસ દિશાંત અને નાઝીમ દારૂની બોટલ લઈને પહોંચી ગયા હતા, જ્યાં તેમને પીડિતા સાથે દારૂની મહેફિલ માણી અને બાદમાં પીડિતા પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જાે કે, ત્યાર બાદ આઘાતમાં સરી ગયેલી યુવતીએ ગત ૧૦મી જૂનના રોજ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું, જેથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં પીડિતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

જે સ્થળે બંનેુ નરાધમોએ પીડિતા સાથે દારૂની મહેફિલ માણી બળાત્કાર ગુજાર્યો હતો ત્યાં પોલીસે આજે બંનેને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. જેમાં ફલેટના એક રૂમમાંથી પોલીસને કોલ્ડડ્રીંકસની બોટલ અને બાઈટિંગ મળી આવ્યું હતું. જ્યારે બીજા રૂમમાં જ્યાં પીડિતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યાં દિશાંત અને નાઝીમની પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરી જરૂરી પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

એ અગાઉ પોલીસે ચાર સાહેદોને અદાલત સમક્ષ ૧૬૪ મુજબનું નિવેદન લેવડાવ્યું હતું. આરોપીઓની એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ મંગળવારે જ ઓળખપરેડ થઈ ચૂકી હતી. ગુરુવારે પાંચ દિવસના રિમાન્ડ પૂરા થાય છે ત્યારે બંને આરોપીઓને પોલીસ અદાલતમાં રજૂ કરી વધારાના રિમાન્ડ માગશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

-------------

‘’

કોલ્ડડ્રીંક, કુરકુરે અને પિત્ઝાના ટુકડા રૂમમાં પડેલા હતા

વડોદરા. બંને નરાધમોને લઈ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મકાનનું તાળું ખોલતાં જ અંદર સામાન વેરવિખેર પડયો હતો. દારૂની પાર્ટી થઈ હોવાનું સ્પષ્ટપણે જાેઈ શકાતું હતું જેમાં કોલ્ડડ્રીંક, બાયેટિંગ માટે કુરકુરેના ખૂલ્લા પેકેટો ઉપરાંત ડોમીનોઝમાંથી મંગાવેલા પિત્ઝાના નહીં ખવાયેલા ટુકડા પણ જાેવા મળ્યા હતા. વેરવિખેર સામાન ઉપરથી ઘટના દરમિયાન રમતવીર યુવતીએ સામનો કરી ઝપાઝપી કરી હોવાનું સ્પષ્ટપણે જાેઈ શકાતું હતું. એ અગાઉ પોલીસને નરાધમોએ ફલેટની નીચે બાઈક ક્યાં પાર્ક કર્યું હતું એ બતાવ્યા બાદ રસોડામાં અને બહાર લૉબીમાં પણ લઈ જઈ ઘટના સમજાવી હતી. રૂમમાં અને બાથરૂમમાં સિગરેટના ઠૂંઠા પણ મળી આવ્યા હતા.

પોલીસને ફોન કર્યો હોત તો યુવતી આજે જીવતી હોત ઃ પાડોશી મહિલા

વડોદરા. યુવતી ઉપર બર્બરતાપૂર્વક બળાત્કાર ગુજારવાના આરોપીઓને લઈને પોલીસ જ્યારે રિકન્સ્ટ્રકશન માટે પહોંચી ત્યારે મીડિયા કર્મચારીઓને સામે રહેતી મહિલાએ સ્ફોટક માહિતી પૂરી પાડી હતી. જેમાં ઘટનાને દિવસે ૮મી તારીખે સાંજે ૭.૩૦ થી લઈ ૧૦ વાગ્યા સુધી એ મકાનમાંથી મોટે મોટેથી લડવા-ઝઘડવાના અવાજાે આવતા હતા. એક તબકકે આ યુવકો અને યુવતી લડતા લડતા બહાર લૉબીમાં આવી પહોંચ્યા હતા અને બંને યુવકો અભદ્ર ભાષામાં યુવતીને ગાળાગાળી કરતા હતા. બાદમાં અંદર જઈ યુવતીની ચીસાચીસ સંભળાઈ હતી ત્યારે મને પોલીસને ફોન કરવાનો પણ વિચાર આવ્યો હતો, પરંતુ લફરામાં કોણ પડે? એમ વિચાર ફોનનો વિચાર માંડી વાળ્યો હતો. કાશ! ફોન કર્યો હોત તો યુવતી આજે જીવતી હોત એવો વસવસો મહિલાએ વ્યક્ત કર્યો હતો.

સીસીટીવી ફુટેજ હજુ સુધી મેળવાયા નથી!

વડોદરા. ૧૯ વર્ષીય યુવતી ઉપર આઘાતમાં સરી પડેલી યુવતીના આપઘાતના બનાવને આઠ દિવસ થયા છતાં પોલીસે હજુ સુધી ઘટના અંગેના નક્કર પુરાવાઓ મેળવ્યા નથી. જે મકાનમાં ઘટના બની એની સામેના મકાનમાં જ બે સીસીટીવી લગાવેલા છે જેમાં એક તો ૩૬૦ ડિગ્રી વ્યૂહવાળો છે. આ કેમેરામાં બંને યુવકો કેટલા વાગે આવ્યા અને ઘટના સમયે હાજર યુવતી ક્યારે અને કેવી રીતે આવી એ પણ સ્પષ્ટપણે રેકોર્ડિંગ ગયું હશે. પરંતુ પોલીસે હજુ સુધી આવા મહત્ત્વના પુરાવા કબજે કરવાની તસ્દી સુધ્ધાં લીધી નથી.

આરોપીઓના વધુ રિમાન્ડની માગણી કરાશે

વડોદરા. બંને આરોપીઓના આવતીકાલે પાંચ દિવસના રિમાન્ડ પૂરા થશે એટલે ગુરુવારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. ગુરુવારે તપાસ અધિકારીઓ દ્વારા વધુ એક ઓળખપરેડ કરવામાં આવશે. જાે એ કાર્યવાહી નહીં પતે તો વધારાના રિમાન્ડની માગણી કરવામાં આવશે એમ તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.