લોકસત્તા વિશેષ : કડકી કોર્પોરેશનની તિજાેરીમાંથી કટકી કાઢવા માટેના શાસક ભાજપના ચોક્કસ નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી ઉઘરાણી ખુલ્લી પડી ગઈ છે. જેમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવવાનું કામ કરતા કોન્ટ્રાકટરો પાસેથી અગાઉ મંજુર થયેલા ટેન્ડર પેટે પાર્ટી ફંડના નામે બળજબરીપૂર્વક ચેકો લખાવાયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. એટલું જ નહીં લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ અનુભવતા એક કોન્ટ્રાકટર પાસે પૈસા નહીં હોવાથી તેણે આપેલો પાર્ટી ફંડનો ચેક રીટર્ન થયો. તેની આવી કફોડી હાલતમાં પણ દયાવિહીન ભાજપના નેતાઓએ તેનું અટકાવેલું પેમેન્ટ છુટું કરવાની દયા દાખવી નહતી. ઉલટાનું ર્રિટન આવેલા ચેકની સામે રોકડા જમા કરાવશે તો જ તેનું બીલ પાસ થશે તેવી શરત મુકતાં કોન્ટ્રાકટર માટે દયાજનક સ્થિતિનું નિર્માણ થયું છે.

ઉલ્લેખનીય છેકે પક્ષની વરિષ્ઠ નેતાગીરીને વિશ્વાસમા લીધા સિવાય કોર્પોરેશનના કોન્ટ્રાકટરો પાસેથી ફંડ ઉઘરાવવાનું તબીબી ઓપરેશન હાથ ધરાયું છે. ભાજપના આ નેતાઓ દ્વારા પાર્ટી ફંડની આડમાં શરૃ કરવામાં આવેલા ઉઘરાણીના વેપલામાં જેઓના ટેન્ડર અગાઉ મંજુર થયા હોય તેવાના બીલો અટકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ડોર ટુ ડોર કોન્ટ્રાકટના કોન્ટ્રાકટરોના બીલ અટકાવી તેઓ પાસેથી ચેક લેવામાં આવ્યા હતા. જેમાં એક કોન્ટ્રાકટરનો તો ચેક પણ રિટર્ન થતાં તેને રોકડા જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યાનું પણ જાણવા મળ્યું છે. ત્યાં સુધી તેના બીલનું પેમેન્ટ નહીં કરવાનો અધિકારીઓને આદેશ અપાયો છે. કોર્પોરેશનના વહીવટમાં સત્તાધારી પક્ષના સંગઠનના હોદ્દેદારોની કોઈ અધિકાર શક્તિ હોતી નથી. આ માટે કોર્પોરેશનમાં પાર્ટીના કોઈ હોદ્દેદારનો સાથ જરૃરી છે. ત્યારે વડોદરા શહેર ભાજપ સંગઠનના નેતાઓ કોર્પોરેશનના ક્યા નેતાના ખભા પર બંદુક મુકી પોતાની ઉઘરાણીની દુકાન ચલાવી રહ્યા છે તેને લઈને પણ અનેક અટકળો વહેતી થઈ છે.

૨ કોન્ટ્રાકટરનું ઈસીએસ બેંકમાં પરત મંગાવ્યું

કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાકટરોના બીલનું ચુકવણું ઓનલાઈન કરવામાં આવે છે. જે અંતર્ગત જે તે વિભાગના બીલ તૈયાર કરી ઓડીટ વિભાગની મંજુરી બાદ એકાઉન્ટ વિભાગમાં પેમેન્ટ માટે મોકલવામાં આવતા હોય છે. આ પ્રક્રિયા અંતર્ગત ડોર ટુ ડોર કચરો ઉઠાવનાર ૨ કોન્ટ્રાકટરના બીલ તમામ પ્રક્રિયામાંથી પસાર થઈ તેનું ઈસીએસ કરવા બેંક સુધી પહોંચી ગયું હતું. પરંતું ભાજપના નેતાના આદેશ બાદ બેકમાંથી ઈસીએસ પરત મંગાવી બીલ રોકવામાં આવ્યાની ચર્ચાએ પણ કોર્પોરેશનમાં જાેર પકડ્યું છે.