દુબઈ 

કોલકત્તા નાઇટ રાઇડર્સએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ના કરો યા મરો મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ ને 60 રને પરાજય આપીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ જીત સાથે કોલકત્તાના 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. આજની મેચમાં હાર બાદ રાજસ્થાન રોયલ્સની ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ ગઈ છે. કોલકત્તાની જીત બાદ પણ હજુ પ્લેઓફની ટિકીટ પાકી થઈ નથી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટે 191 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 131 રન બનાવી શકી હતી.

અત્યાર સુધી એકમાત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફમાં પહોંચી છે. તો હવે બેંગલોર અને દિલ્હી વચ્ચે આવતીકાલે રમાનારી ટીમમાંથી એક ટીમ પ્લેઓફમાં પહોંચી જશે. જો લીગની અંતિમ મેચમાં હૈદરાબાદની ટીમ મુંબઈ સામે હારશે તો કોલકત્તાની ટીમને પ્લેઓફની ટિકીટ મળી જશે. બાકી કોલકત્તાએ પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય સમીકરણ પોતાના પક્ષમાં આવે તે જોવું પડશે. હાલ બેંગલોર, દિલ્હી અને કોલકત્તાના 14-14 પોઈન્ટ છે. પરંતુ બેંગલોરની નેટ રનરેટ -0.145, દિલ્હીની -0.159 તો કોલકત્તાની -0.214 છે.

કોલકત્તાએ આપેલા 192 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમનો ધબડકો થયો હતો. ટીમને પ્રથમ ઓવરમાં રોબિન ઉથપ્પા (6)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ સફળતા પેટ કમિન્સને મળી હતી. ત્યારબાદ કમિન્સે ત્રીજી ઓવરમાં બેન સ્ટોક્સ (18) અને સ્મિથ (4)ને આઉટ કરીને રાજસ્થાનને બેકફુટ પર ધકેલી દીધું હતું. સંજૂ સેમસન (1)ને શિવમ માવીએ આઉટ કર્યો હતો. ઈનિંગની પાંચમી ઓવરમાં કમિન્સે રિયાન પરાગ (0)ને આઉટ કરીને પાંચમો ઝટકો આપ્યો હતો. રાજસ્થાને પાવરપ્લેમાં 5 વિકેટ ગુમાવી 41 રન બનાવ્યા હતા.