વડોદરા

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એમજીવીસીએલના ઇન્દ્રપુરી સબ સ્ટેશનની વીજ કંપનીની કચેરીના વિસ્તારમાં આવતા રહેણાક વિસ્તારમાં ગતરોજ નજીવા ઝરમર વરસાદને લઈને વીજળી છાસવારે ગુલ થઇ જતા રહીશોનો આક્રોશ ભભૂકી ઉઠ્‌યો હતો. જેને લઈને આ વિસ્તારના રહીશો દ્વારા આજવા રોડ ઇન્દ્રપુરીની વીજ કચેરી ખાતે ગત રાત્રીના સ્થાનિક રહીશોના ટોળા દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. તેમજ આ રહીશો દ્વારા વીજ પુરવઠાની અનિયમિતતા અને વીજળી ગુલ થવા બાબતે અંદાજે ચારસો ઉપરાંત ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. તેમ છતાં એનો સમયસર નિકાલ ન કરાતા રહીશો દ્વારા પિત્તો ગુમાવીને ઇન્દ્રપુરી કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો. આ સમયે સ્થાનિકોનું માનીએ તો ઇન્દ્રપુરી વીજ કચેરીમના કર્મચારીઓ દ્વારા હંમેશા ફરિયાદો પર કલાકો સુધી ધ્યાન આપવામાં આવતું નથી. તેમજ એને કેટલીકવાર ધ્યાન પર પણ લેવામાં આવતી નથી. આને કારણે વીજળીની સમસ્યાને લઈને કલાકો કે દિવસો સુધી નાગરિકોને હેરાનપરેશાન થવું પડે છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો સેવાઓમાં સુધારો કરવામાં આવતો નથી. જેને લઈને આ વિસ્તારના રહીશોને વારંવાર અંધારપટનો સામનો કરવો પડે છે. અનેક સોસાયટીઓના રહીશો દ્વારા વારંવાર આવા અંધારપટને લઈને રજૂઆત કરવામાં આવી છે.