ન્યુ દિલ્હી,તા.૮

દેશમાં આજે અનલોક-૧ હેઠળ શોપિંગ મોલ,હોટેલ-રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો સહિત લગભગ બધુ ખુલી ગયું છે ત્યારે કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો હોય તેમ આજે સતત બીજા દિવસે ૧૦ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હતા. આજે સોમવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમ્યાન સમગ્ર દેશમાં ૧૦,૭૮૬ જેટલા કેસો બહાર આવ્યાં હતો અને રાબેતા મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ બહાર આવ્યાં હતા. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૮૫ હજાર ૯૭૫ થઈ ગઈ છે. આ મામલામાં મહારાષ્ટ્ર ચીન કરતા પણ આગળ નીકળી ગયું છે ત્યાં ૮૩ હજાર ૪૩ કેસ આવ્યા છે.છેલ્લાં ૫ દિવસમાં રોજેરોજ ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવી રહ્યાં છે જે એક રીતે ચિંતાજનક કહી શકાય. દેશમાં રિક્વરી રેટ ૪૮.૩૬ ટકા, મૃત્યુદર ૨.૮ ટકા છે.આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨૫૬૬૧૧ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૦,૭૮૬ નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. .  

જોકે, બીજી તરફ ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૩૫ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૦૨ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૨૪૦૯૫ સુધી પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૭૧૩૫ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૨૫૩૮૧ એક્ટિવ કેસ છે.મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૫૯૭૫ કેસ નોંધાયા છે જ્યારે ૩૦૬૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૬૬૭ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૬૯ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૨૭૬૫૪ કેસ નોંધાયા છે જ્યારે ૭૬૧લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૯૬૧૭ લોકો સંક્રમણમાં આવ્યા છે.