વડોદરા, તા.૧૨ 

રાજ્યમાં કોવિડ વેક્સિનના આગમન સમયે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ કહેવાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ આજે એક દિવસની માસ સીએલ પર ઉતરી પોસ્ટર અને બેનર્સ સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આરોગ્ય કર્મચારીઓની એકાએક હડતાળ પર જવાથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. અંદાજે ૭૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓએ એકત્ર થઈ એકતાશક્તિનું પ્રદર્શન યોજ્યું હતું અને જણાવ્યું હતું કે, પગાર સહિતના પ્રશ્નો ત્વરિત નિકાલ લાવવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ કોરોના વેક્સિનની કામગીરીથી અલિપ્ત રહેવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરા જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૭૦૦ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ કર્મચારીઓને છેલ્લા બે માસનો પગાર પણ મળ્યો નથી. નિયમિત પગાર સહિત અન્ય પ્રશ્નો સહિત અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સત્તાધીશો દ્વારા અત્યાર સુધી પગાર સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેથી નાછૂટકે માસ સીએલ પર જવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું. આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ભેગા થયા હતા અને નિયમિત પગાર, પીએફ, મેડિકલ સુવિધા, યુનિફોર્મ વગેરે સુવિધા પૂરી પાડવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.