રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વ કક્ષાએ સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે. હવે આગામી સમયમાં બોલીવુડના એંગ્રી યંગમેન મિલેનિયમ સુપર સ્ટાર એવા અમિતાભ બચ્ચન “ખુશ્બૂ ગુજરાત” કી કેમ્પેઈન અંતર્ગત કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટોનો વિશ્વ કક્ષાએ પ્રચાર કરશે. અગાઉ બિગ બી અમિતાભ બચ્ચને ‘ખુશ્બૂ ગુજરાત કી’ કેમ્પેઈન અંતર્ગત કચ્છના પ્રવાસન સ્થળોનો ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ થીમ પર પ્રચાર કર્યો હતો, એ બાદ કચ્છના પ્રવાસન ઉદ્યોગને સારો એવો ફાયદો થયો હતો.તો એ જ થીમ પર હવે “ર્સિફ કચ્છ નહીં, કેવડિયા ભી નહિ દેખા તો કુછ નહિ દેખા” ની થીમ પર અમિતાભ બચ્ચન પ્રચાર કરશે એ રીતનું પ્લાનિંગ હાલ ચાલી રહ્યું છે.જો કે હાલ સરકાર દ્વારા અમિતાભ બચ્ચન પાસે એડ માટેની તારીખો મંગવાઈ છે, તેઓ તારીખ ક્યારે આપે છે એના પર હાલ આ કેમ્પેઈન અટક્યું છે. 

અમિતાભ બચ્ચન એક અઠવાડિયા સુધી કેવડીયામાં રોકાણ કરશે

બિગ બી પાસે સરકારે કેવડિયા વિસ્તારના પ્રચાર માટે શુટિંગની તારીખો માંગી છે, જો તેઓ સરકારને ચોક્કસ તારીખો આપશે તો કેવડીયામાં અમિતાભ બચ્ચન એક અઠવાડિયા સુધી રોકાશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ૧૭ જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું છે, એ પૈકી અમિતાભ બચ્ચનનો સ્ટેચ્યુ ઓફ યુનિટી, યુનિટી ગ્લો ગાર્ડન, જંગલ સફારી પાર્ક, ક્રેકટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન અને સી-પ્લેન પ્રોજેક્ટો પર પ્રચારનો વધુ ફોક્સ રહેશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.