અંક્લેશ્વર : સરદાર સરોવર નર્મદા ડેમ માંથી નદીમાં પાણી આવક સતત રહેતા ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે , અને બપોર નાં ૩ કલાકે જળસ્તર ૨૭ ફૂટ થી વધુની સપાટીએ વહી રહ્યુ હતુ , જેના કારણે અંકલેશ્વર તાલુકાનાં ૧૩ ગામોને તંત્ર દ્વારા હાઇએલર્ટ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં ૪૫૮ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. 

 જો નદીનાં તોફાની પાણીની જળસપાટી વધશે તો વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. અંકલેશ્વર પંથકમાં વીત્યા ચોવીસ કલાકમાં ૨ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને અત્યાર સુધીમાં અંક્લેશ્વરનો મોસમનો કુલ વરસાદ ૯૮૯ એમએમ એટલે કે ૩૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે , જેને પગલે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે , જાણવા મળ્યા મુજબ વધુ ૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજ દક્ષિણ છેડે જળસપાટી ૨૭ ફૂટે પહોંચી હતી.અંકલેશ્વરનાં પ્રાંત અધિકારી રમેશ ભગોરા , મામલતદાર , શહેર પોલીસની ટીમ દ્વારા નદીનાં વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સ્થળાંતરની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાનાં ૧૩ જેટલા ગામોને હાઇએલર્ટ કરવામાં આવ્યા હતા , અને નદી કિનારે વસેલા તેમજ પુર થી સૌથી વધુ પ્રભાવિત થતા જુના બોરભાઠા , સરફુદ્દીન, ખાલપીયા , જુના ધંતુરીયા , જુના છાપરા મળીને કુલ ૪૫૮ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. વધુમાં તારીખ ૩૦મી ની રાત સુધીમાં વધુ ૧૦ થી ૧૨ લાખ ક્યુસેક પાણી ડેમ માંથી છોડવામાં આવશે તેવી શક્યતા છે.

કોવિડ-૧૯ સ્મશાનમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં

નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ની જળસપાટીમાં સતત વધારો થતા નદી કિનારે બનાવેલ કોવિડ સ્મશાન પણ પૂરનાં પાણી થી પ્રભાવિત થયુ હતુ.નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નાં દક્ષિણ છેડે તંત્ર દ્વારા કોરોના સંક્રમણ થી મૃત્યુ પામતા મૃતકોનાં અંતિમ સંસ્કાર અર્થે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યુ છે , જોકે નર્મદા નદીનાં જળસ્તરમાં વધારો થતા નદીનાં તોફાની પાણી કોવિડ સ્મશાન સુધી પહોંચી ગયા હતા.