દિલ્હી-

સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસોના નિકાલ માટે કયા પગલા લેવા જોઇએ તે અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે બોમ્બે હાઇકોર્ટના પૂર્વ જજના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે. અહેવાલ તૈયાર કરવા માટે સમિતિને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.  સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડેના નેતૃત્વમાં બનેલી પાંચ જજોની ખંડપીઠને કહ્યું હતું કે, ચેક બાઉન્સના કેસોના નિકાલ માટે વધારાની કોર્ટોની રચના કરવાની જરૂરીયાતનો કેન્દ્ર સરકાર સ્વીકાર કરે છે. સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહમાં ચેક બાઉન્સના વિલંબિત ૩૫ લાખ કેસોને એક વિચિત્ર ઘટના દર્શાવી હતી અને કેન્દ્રને સૂચન કર્યું હતું કે તે આવા કેસોના નિકાલ માટે વધારાની કોર્ટોની રચના કરે.

કેન્દ્ર સરકાર પાસે બંધારણની કલમ ૨૪૭ હેઠળ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ ચેક બાઉન્સના કેસોના નિકાલ માટે વધારાની કોર્ટોની રચના કરવાની સત્તા છે. બંધારણની કલમ ૨૪૭ સંસદને કેટલાક ખાસ સંજોગોમાં વધારાની કોર્ટોની રચના કરવાની સત્તા આપે છે. ચેક બાઉન્સના કેસોનો થઇ રહેલા ભરાવાના સંદર્ભમાં કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે ઉપરાંત ન્યાયમૂર્તિઓ એલ નાગેશ્વર રાવ, બી આર ગવઇ, એ એસ બોપન્ના, એસ રવિન્દ્ર ભાટની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે, ચેક બાઉન્સના કેસોના નિકાલ માટે સબંધિત પક્ષકારો પાસેથી અનેક સૂચનો મળ્યા છે. વધારાની કોર્ટોની રચના કરવાના સૂચન અંગે કેન્દ્ર સરકારે હકારાત્મક વલણ દર્શાવ્યું છે. કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટના સૂચનને ખૂબ જ ઉપયોગી અને રચનાત્મક ગણાવ્યું છે.