દિલ્હી-

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કૌશાંબી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એંજલ મોલમાં ચાલી રહેલા હુક્કાબારમાં પોલીસે પાડેલા દરોડામાં પચાસથી વધુ યુવક-યુવતીઓ ઝડપાઇ ગયાં હતાં. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ હુક્કાબાર રેસ્ટોરાંના નામે ચાલી રહ્યો હતો. અહીં હુક્કાની સાથોસાથ શરાબ પણ પીરસાતો હતો. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.  

મળતી માહિતી મુજબ યોગાનુયોગે આ રેસ્ટોરાંનું નામ નો રુલ્સ હતું. રેસ્ટોરાંના નામે અહીં હુક્કા અને શરાબની વ્યવસ્થા કરાતી હતી. કેટલાક કાયમી ગ્રાહક હતા તો કેટલાક માત્ર મોજ કરવા આવેલા હતા. પોલીસે કહ્યું કે નશો કરવા આવનારાની ભીડ એટલી હતી કે કોરોના વાઇરસનું સંક્રમણ આસાનીથી થઇ શકતું હતું. પોલીસને એક કરતાં વધુ વખત આ રેસ્ટોરાંની ફરિયાદ મળી હતી. પાક્કી બાતમી મેળવ્યા બાદ પોલીસે પગલાં લીધાં હતાં. લૉકડાઉનના નિયમોની ઐસી તૈસી કરીને અહીં હુક્કાબાર અને શરાબ બાર ચાલી રહ્યાં હતાં. સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન પણ થતું નહોતું. એપિડેમિક એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. સારા ઘરના પચાસથી વધુ યુવક યુવતી ઝડપાઇ ગયાં હતાં.