ગાંધીનગર તા.25

ગાંધીનગરના અડાલજમાં ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પડતા અમદાવાદના 13 નબીરાઓ અને 10 યુવતી ઝડપાઇ હતી. આ મહેફિલમાં 13 યુવકો નશાની હાલતમાં હતા જ્યારે 10 યુવતીઓએ નશો ન કર્યો હોવાથી અટકાયત બાદ તમામને મુક્ત કરાઈ હતી.

પોલીસે દરોડા દરમિયાન ઑડી અને એમજી હેક્ટર જેવી લકઝરીયર્સ 9 કારો, 1.76 લાખની કિંમતના 11 ફોન, મળી 40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ પરથી નાના-મોટા 38 ગ્લાસ અને દારૂની ખાલી 5 બોટલ મળી આવી હતી. આરોપીઓમાં અમદાવાદના કાપડ અને કરિયાણાના વેપારીઓ હોવાની માહિતી મળી રહી છે.અમદાવાદના દિવ્યા પ્રિન્સ સાલેચાની જન્મદિવસની પાર્ટીમાં પતિએ તેમના મિત્રોને બોલાવ્યા હતા અને દારૂની મહેફિલ માણી હતી. ઝડપયેલી યુવતીઓ નશામાં હોય એવું પોલીસને ન જણાતા તેમને અટકાયત બાદ મુક્ત કરાઈ હતી પણ તમામના બ્લડ સેમ્પલ લેવાયા હતા. હાલ પોલીસે 13 યુવક સામે પ્રોહીબિશન એક્ટ, એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબની કલમો સાથે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.