સિદ્ધાર્થ મણીયાર ા વડોદરા

પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થતાં હવે, એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સ્થાનિક વિદ્યાર્થીઓએ વલખાં મારવા પડશે. જેની પાછળનું કારણ એ છે કે, રાજ્ય સરકાર દ્વારા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સહિત રાજ્યની ૧૪ સરકારી યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. જેનાં ભાગ રૂપે ગઈકાલે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કોમન એડમિશન પોર્ટલનો પ્રારંભ કરાયો છે. હવે આ પોર્ટલ પર જ પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી તમામ ૧૪ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ત્યારે તમામ સ્થાનિક યુનિવર્સિટીની સ્વાયત્તતા હવે પૂર્ણ થઇ ગઈ છે.

રાજ્ય સરકાર દ્વારા ભૂતકાળમાં કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ માત્ર વડોદરાના વિરોધના કારણે તે સમયે કાયદો લાગુ કરવાનું પડતું મુકાયું હતું. જાેકે, તેમાં જરૂરી ફેરફારો કરી તેનું નામ બદલી પબ્લિક યુનિવર્સિટી એક્ટના નામે તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર કરાયો અને તેને રાજ્યપાલે મંજૂરી આપતાં કાયદો અમલમાં આવ્યો છે. આ આકેટનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે - નવો એક્ટના અનેક ગેરફાયદા છે. જે પૈકીનો એક એટલે સ્થાનિક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સ્થાનિક વિદ્યાર્થીઓએ વલખાં મારવા પડશે. આ મુશ્કેલીનો સૌથી વધારે ભોગ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ જ બનશે.

વડોદરામાં ૧૯૪૯ પહેલા સયાજીરાવ ગાયકવાડ દ્વારા મુંબઈ યુનિવર્સિટીને સંલગ્ન બરોડા કોલેજ શરૂ કરાઈ હતી. જે ૭૫ વર્ષ પહેલા દેશ સ્વતંત્ર થયાં બાદ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા બની હતી. જેનાં બંધારણમાં જ ઉલ્લેખ કરાયો હતો કે, વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય સ્થળે ન જવું પડે અને ઘરઆંગણે જ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે તે માટે શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીને પ્રવેશ આપવો. જાેકે, હવે પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયો છે. જે અંતર્ગત ગઈકાલે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સહિત રાજ્યની ૧૪ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ શરૂ કરાયું છે, જેમાં રાજ્યના કોઈ પણ શહેર કે ગામમાં રહેતાં વિદ્યાર્થી તેમજ દેશના કોઈ પણ રાજ્યના વિદ્યાર્થી પ્રવેશ માટે અરજી કરી શકશે.

અત્યાર સુધી આવું હતું કે, એમ.એસ. યુનિ.માં પ્રવેશ માટે વિદ્યાર્થી ઓનલાઇન જ અરજી કરતા હતા, પરંતુ તેમાં પ્રવેશ વખતે શહેર જિલ્લાના વિદ્યાર્થીને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. શહેર જિલ્લા બહારના ગુજરાતના કે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. જેમની માટે કટઓફ માર્ક્‌સ આધારે નક્કી થતું હતું. જાેકે, હવે કોમન એડમિશન પોર્ટલ થકી પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી ક્યાંનો છે તે જાેયાં વિના જ તેણે પસંદ કરેલી યુનિવર્સિટીમાં મેરિટના આધારે તેને પ્રવેશ અપાશે, જેથી એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે વડોદરાના જ વિદ્યાર્થીઓએ પહેલા વાયા ગાંધીનગર અરજી કરવાની અને પછી પણ પ્રવેશ મળશે કે નહીં તે નક્કી નહીં હોય. વડોદરામાં રહેતા અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલા વાલીઓની પોતાના સંતાનોને એમ.એસ. યુનિવર્સિટીમાં જ શિક્ષણ અપાવવાની આશાઓ પર પાણી ફરી વળશે તે નક્કી છે.

એડમિશન ફીની આવકમાં હવે રાજ્ય સરકારનો ભાગ

શિક્ષણ મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલા કોમન એડમિશન પોર્ટલ પર અરજી ફી રૂ. ૩૦૦ રાખવામાં આવી છે. જે અરજી ફી પૈકી કેટલીક રકમ રાજ્ય સરકાર રાખશે અને કેટલીક રકમ જે તે યુનિવર્સિટીને આપવામાં આવશે. જાેકે, કેટલી રકમ યુનિવર્સિટીને આપવામાં આવશે તે અંગેનો ર્નિણય હાલ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ અત્યાર સુધી એડમિશન ફી રૂપે એમ એસ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની આવક થતી હતી. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓના હિતમાં વિકાસ માટે કરવામાં આવતો હતો. જેમાં હવે રાજ્ય સરકાર ભાગ પડાવશે.

સ્થાનિક યુનિવર્સિટીની સ્થાપના પાછળનો હેતુ જ ભૂલાયો

સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત એમ.એસ. યુનિવર્સિટી હોય કે પછી રાજ્યના અન્ય શહેરોમાં કાર્યરત અન્ય સરકારી યુનિવર્સિટી તમામનો હેતુ સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ આપવાનો હતો. જે માટે ૩૩ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા એમ.એસ. યુનિ. ઉપરાંત અન્ય ૧૩ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જાેકે, હવે પબ્લિક યુનિવર્સિટી એક્ટ અંતર્ગત કોમન એડમિશન પોર્ટલ શરૂ થતા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા માટે અન્ય જિલ્લામાં જવું પડશે તે નક્કી છે. જેથી સ્થાનિક યુનિ.ની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ જ હવે ભૂલાઈ જશે.

ભૂતકાળમાં પોલિટેક્નિક કોલેજ પણ આ રીતે જ જીટીયુને અપાઈ હતી

એમ.એસ. યુનિવર્સિટીની સ્થાપના ૧૯૪૯માં થઇ હતી. ત્યારે એન્જિનિયરિંગના ડિપ્લોમા કોર્સ કલાભૂવન ખાતે કાર્યરત હતા. યુનિ.નો દરજ્જાે મળ્યાં બાદ ડિગ્રી અભ્યાસ ક્રમ શરૂ કરાયા અને હાલની ટેક્નોલોજી ફેકલ્ટી અને પોલિટેક્નિકને જુદાં પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેમાં પ્રવેશ પ્રક્રિયા એમ.એસ. યુનિ. દ્વારા કરવામાં આવતી હતી. જાેકે, ૧૯૯૫-૯૬માં ટેક્નોલોજી ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસને આપવામાં આવી હતી. જે બાદ એસીપીસી દ્વારા પોલિટેક્નિક કોલેજમાં પણ પ્રવેશ માટે એસીપીસીને આપવાની વાત આવી હતી. જેનો સ્થાનિક પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ૨૦૦૮માં પોલિટેકનિકની પ્રવેશ પ્રક્રિયા એસીપીસીને આપવામાં આવી હતી. જ્યાં સુધી ટેક્નોલોજી અને પોલીટેક્નીકમાં ૮૦ ટકા સ્થાનિક વિદ્યાર્થીને પ્રવેશ મળતો હતો. પરંતુ પ્રવેશ પ્રક્રિયા એસીપીસી પાસે ગયા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વલખાં મારવા પડી રહ્યાં છે.

એમ.એસ.યુનિ. રાજ્યની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સરકારી યુનિ.

રાજ્ય સરકારના પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ આવતી ૧૪ સરકારી યુનિવર્સિટી પૈકી એક માત્ર અંગ્રેજી માધ્યમ યુનિ. એમ.એસ. યુનિવર્સિટી જ છે. જેમાં પ્રવેશ મેળવવા માટે રાજ્યના જ નહીં દેશભરમાંથી વિદ્યાર્થીઓ કતાર લગાવતા હોય છે. એટલું જ નહીં રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટી કરતા વિદેશમાં એમ એસ યુનિવર્સિટીની વેલ્યુ પણ વધારે છે. ત્યારે અંગ્રેજી માધ્યમની એક માત્ર યુનિ. અને અન્ય ૧૩ ગુજરાતી માધ્યમની યુનિ.માં પ્રવેશ પ્રક્રિયા એક જ કોમજ પોર્ટલ પરથી થાય તે એમ એસ યુનિવર્સિટી સાથે અન્યાય થયો કહેવાય.

સ્જીેંના ૧૬ કિમીના રેડિયસમાં અન્ય કોલેજ ન સ્થાપવાનો નિયમ પણ રદ

એમ એસ યુનિ.ની સ્થાપના સમયે તેના નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં યુનિ.ના ૧૬ કી.મીના રેડિયસમાં અન્ય કોલેજ સ્થાપવા માટે યુનિ. પાસે એનઓસી લેવાની હતી. જેથી અન્ય કોઈ ખાનગી યુનિ. ૧૬ કી.મીના રેડિયસમાં સ્થાપી ન હતી. જાેકે, પાદરાથી નજીકના ગામોના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે વડોદરા આવવામાં મુશ્કેલી પડતી હતી જેથી જે તે સમયે એમ એસ યુનિવર્સિટી દ્વારા સ્થાનિક એમ કે અમીન કોલજને એમ એસ યુનિ.માં સમાવી લેવામાં આવી હતી. જાેકે, હવે આ કાયદો રદ થયો છે. ત્યારે ખાનગી યુનિ. શહેરમાં પગ પેસારો કરશે તે નક્કી છે.

વડોદરાના ગરીબ પરિવારના બાળકો શિક્ષણ નહીં મેળવી શકે

પહેલાં ટેક્નોલોજી ફેકલ્ટી પછી પોલિટેક્નિક કોલેજ અને હવે, આખી યુનિવર્સિટી સરકાર દ્વારા પોતાને હસ્તક લઈ લેવામાં આવી છે, જેથી યુનિવર્સિટીની તમામ ફેકલ્ટી કુલ બેઠકોના ૮૦ ટકા બેઠકો શહેર જિલ્લાના વિદ્યાર્થી માટે જ હતી, તે નિયમ નેવે મૂકાઈ જશે. જેના કારણે હવે, શહેર જિલ્લાના યુવાનો અને યુવતીઓએ શિક્ષણ મેળવવા માટે વડોદરા છોડવું પડશે. જે ખુબ જ ગંભીર પ્રશ્ન છે. હવે, અનેક પરિવારો જે શિક્ષણનો ખર્ચ જ નથી ભોગવી શકતા તે અન્ય શહેર કે જિલ્લામાં બાળકોને શિક્ષણ મેળવવા મોકલશે તો તેનો ખર્ચ ક્યાંથી લાવશે, જેનો અર્થ એ થાય છે કે એ પરિવારનું સંતાન શિક્ષણ મેળવ્યાં વિનાનું જ રહેશે. નરેન્દ્ર રાવત, પૂર્વ સેનેટ સભ્ય

શહેરના વિદ્યાર્થીઓ માટે સ્થપાયેલી યુનિ.માં તેમને પ્રવેશ નહીં મળે

અંગ્રેજી માધ્યમની એક માત્ર યુનિવર્સિટી હોવાથી તેમાં પ્રવેશ માટે હજારો વિદ્યાર્થીઓ અરજી કરતા હોય છે. જેમાં મુખ્ય ફેકલ્ટી એવી આર્ટ્‌સ, સાયન્સ અને કોમર્સમાં શહેર જિલ્લાના મોટાભાગે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી જતો હોય છે, પરંતુ કોમન એડમિશન પોર્ટલના પગલે હવે, વડોદરાના વિદ્યાર્થીઓને શહેરમાં તેમના માટે સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી યુનિવર્સિટીમાં જ પ્રવેશ નહીં મળે તે નક્કી છે.          કપિલ જાેશી, સેનેસ સભ્ય