પેરીસ-

ઈરાનના સુપ્રીમ લીડર અલી હુસૈન ખામનેઈએ ફ્રાન્સના પેગમ્બર મોહમ્મદના કાર્ટૂનને સમર્થન આપવાના ર્નિણયની નિંદા કરી છે. ઈરાને ફ્રાન્સની અભિવ્યક્તિની સ્વતંત્રતાની દલીલને પણ ફગાવી છે. મંગળવારે ટેલિવિઝન પર આપેલા સંબોધનમાં ઈરાનના સુપ્રીમ નેતાએ ફ્રાન્સના પેગમ્બર મોહમ્મદનું કાર્ટૂન છાપનાર મેગેઝિનને સમર્થન કરવાને મૂર્ખતા ગણાવી દીધી. તેમણે મુસ્લિમોના આક્રોશ અને દેખાવને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે આનાથી ખબર પડે છે કે હજી મુસલમાન ‘જીવે’ છે. તો આ તરફ મેન્ક્રોને તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ઈસ્લામ સંકટમાં છે, આ અંગે ઘણા મુસ્લિમ દેશોમાં વિરોધ-દેખાવ થયા હતા. ફ્રાન્સના સામાનનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરવામાં આવી. ઈરાનમાં ફ્રાન્સના દૂતાવાસ સામે પણ 28 ઓક્ટોબરે દેખાવ કરવામાં આવ્યા હતા.

ઈરાનના નેતાએ કહ્યું હતું કે આ માત્ર ફ્રાન્સની કલાનું જ પતન નહીં, પણ ત્યાંની સરકાર પણ આ ખોટા કામનું સમર્થન કરી રહી છે. ફ્રાન્સના મુખ્ય રાજનેતા(રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેન્ક્રોન)જ પેગમ્બરના કાર્ટૂન છાપવાનું સમર્થન કરી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેન્ક્રોને ઘણી વખત કહ્યું હતું કે તેમનો દેશ અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરતો રહેશે, ભલે ગમે તેટલા વિરોધ સહન કેમ ન કરવા પડે. મેન્ક્રોને પેગમ્બર મોહમ્મદનું કાર્ટૂન છાપવાના ર્નિણયનું પણ મજબૂતાઈથી સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત મહિને ફ્રાન્સમાં ક્લાસરૂમમાં પેગમ્બર મોહમ્મનું કાર્ટૂન દેખાડનાર એક અધ્યાપક્ષ સેમ્યુઅલ પેટીની ધોળા દિવસે હત્યા કરી દેવાઈ હતી. ત્યાર પછી ફ્રાન્સના નીસ શહેરમાં પણ આતંકી હુમલા થયા હતા.