વડોદરા, તા.૨

બળાત્કાર માટે બદનામ પારુલ યુનિવર્સિટી હવે ડ્રગ્સ અને નશીલા પદાર્થો માટે પણ જાણીતી બની રહી છે. ત્યારે હોસ્ટેલના રૂમમાંથી મોટા જથ્થામાં નશીલો પદાર્થ ઝડપાયા બાદ રૂમમાં રહેતા વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું છે. આ બનાવને યુનિ. સત્તાવાળાઓ ઢાંકપીછોડો કરવા મથામણ કરી રહ્યા છે અને સામાન્ય આત્મહત્યાનો બનાવ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે આ બનાવ હત્યાનો હોવાની પાકી શંકા ઊભી થઈ છે.

મંગળવારની રાત્રિના સમયે પારુલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી અટલ ભવન હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે કોઈ પડ્યું હોવાનો મોટો અવાજ આવતાં વિદ્યાર્થીઓ રૂમમાંથી બહાર આવીને નીચે દોડી આવ્યા હતા, જ્યાં હોટલ મેનેજમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો સૌરભ રાજપુરોહિત લોહીલુહાણ હાલતમાં નજરે પડયો હતો, જેને તાત્કાલિક કેમ્પસમાં જ આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ એની સારવાર હાથ ધરી હતી, તે દરમિયાન તેનું મોત થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ મામલો આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો હોઈ શકે છે. કારણ કે, બપોરના સમયે રૂમમાં ચેકિંગ દરમિયાન પ૦૦ ગ્રામ જેટલો માદકપદાર્થોનો મોટો જથ્થો પકડાયો હતો. બાદમાં સિકયુરિટી ગાર્ડ, વોર્ડન અને પારુલ યુનિ.ના જવાબદારોએ એ જથ્થો સૌરભ જ લાવ્યો હોવાનો આરોપ લગાવી તેની મારપીટ કરી હતી.એ દરમિયાન સૌરભે પોતે નિદોર્ષ હોવાની કાકલુદી કરી હતી પરંતુ અન્ય વિદ્યાર્થીઓને રૂમની બહાર કાઢી રૂમ બંધ કરી દેવાયો હતો. અંદર સિકયુરિટી જવાન, વોર્ડન અને અન્ય જવાબદારો હાજર હતા એ દરમિયાન જ સૌરભને ઉપરથી ફેંકી દેવાયો હોવાનું માનવામાં આવે છે. જાે કે, સૌરભ ત્રીજા માળેથી નીચે પડતાં ગભરાયેલા સિકયુરિટી સહિત અન્યોએ સૌરભે જાતે ભૂસકો માર્યો હોવાનું જણાવ્યું હતું અને સારવાર માટે તાત્કાલિક પારુલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને આ મામલાને આત્મહત્યામાં ખપાવી દઈ વાઘોડિયા પોલીસને જાણ કરી સામાન્ય એ.ડી. એટલે કે અકસ્માતે મોતની નોંધ કરી દેવાઈ હતી.

વાઘોડિયા પોલીસ પણ રૂમની યોગ્ય તપાસ કર્યા વિના ઉતાવળે ભીનું સંકેલી લીધું હોય એમ આ બનાવને સામાન્ય ગણાવી રહી છે. ત્યારે સૌરભને મરાયેલા મારના સાક્ષી અનેક વિદ્યાર્થીઓ છે એમની પૂછપરછ કરી હોત તો આત્મહત્યા કે હત્યાની ચોંકાવનારી માહિતી બહાર આવી શકી હોત એમ પારુલ યુનિ. કેમ્પસમાં ચર્ચાઈ રહ્યું છે.

 ર૮મીએ ભૂતાનના વિદ્યાર્થીનું મોતનું કારણ ડ્રગ્સનો ઓવરડોઝ?

ચાર દિવસ અગાઉ પણ પારુલ યુનિ.માં અભ્યાસ કરતો ભૂતાનના વિદ્યાર્થીનું રહસ્યમય સંજાેગોમાં મોત થયું હતું એની પાછળ પણ ડ્રગ્સનો ઓવરડોઝ માનવામાં આવે છે. ક્રિનલે કુનાત્સો શેરબ નામનો માત્ર ર૪ વર્ષનો વિદ્યાર્થી પણ સૌરભ રાજપુરોહિત સાથે હોટલ મેનેજમેન્ટમાં જ ભણતો હતો. જેની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે.

વાઘોડિયા પોલીસની ભેદી ભૂમિકા?

પારુલના વિદ્યાર્થી સૌરભ રાજપુરોહિતની હત્યા કે આત્મહત્યાના રહસ્યમય બનાવમાં વાઘોડિયા પોલીસની ભેદી ભૂમિકા બહાર આવી છે. પારુલ યુનિ.ના સ્થાપક જયેશ પટેલના બળાત્કાર કેસ, પ્રોફેસરનો બળાત્કાર કેસથી માંડી દરેક બનાવમાં પારુલ યુનિ.ના પગારદારની ભૂમીકા ભજવાતી વાઘોડિયા પોલીસે સૌરભ નરેન્દ્રસિંગ રાજપુરોહિતની એડીના સ્પેશિયલ રિપોર્ટમાં અનેક ભૂલો કરી છે જે આગામી દિવસોમાં વાઘોડિયા પોલીસને ભારે પડી શકે છે.

 પુત્રની અંતિમક્રિયા બાદ ઉચ્ચસ્તરીય તપાસની માગ પિતા કરશે

પારુલ યુનિ.ના વિદ્યાર્થી સૌરભની કહેવાતી આત્મહત્યાના બનાવથી પિતા નરેન્દ્રસિંગ ભારે વ્યથિત છે અને પુત્રના મોત અંગે શંકા ઊભી કરતાં જણાવ્યું છે. જાે આત્મહત્યા હોય તો મરતાં પહેલાં કોઈ મિત્ર, માતા-પિતા, ભાઈ-બહેનને ફોન કરી સમસ્યા જણાવે છે કે પછી ચિઠ્ઠી લખે છે. આ મામલામાં આવંુ કશું થયું નથી. ત્યારે સૌરભની રાજસ્થાનના પાલી ખાતે અંતિમક્રિયા બાદ આ મામલાની તપાસ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત થશે એમ જણાવ્યું છે.

હોસ્ટેલના વિદ્યાર્થીઓની પૂછપરછ અને એફએસએલ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે

પારૂલ કેમ્પંસની અટલ ભવન હોસ્ટેલનાં ત્રીજી માળે રહેતા અને ખાસ કરીને મૃતકની રૂમમાં રહેતા અન્ય વિર્ધાથીઓની પુછપરછ થાય તો મોતની પાછળ નશીલા પદાર્થ જવાબ દારૂ હોવાનું બહાંર આવી શકે એમ છે.હત્યા કે આત્માહત્ય બાદ એફ.એસ.એલની ટીમે રૂમની મુલાકાત લીધી હતી એના નમુનાના પૃથ્થકરણમાં પણ જાે યુનૂ સત્તાવાળાઓએ રફેદફેના કર્યું હોય તો સાચી માહીતી બહાર આવી શકે છે એમ મનાય છે.ત્યારે સાથે અભ્યાસ કરતાં વિર્ધાથીઓમાં સૌરભ શાંત અને સોમ્ય સ્વભાવનો હોવા ઉપરાંત કોઈ પણ જાત વ્યસન નહી ધરાવતો હોવાનું કહેવાય છે.આમ ૫૦૦ ગ્રામ નશીલો પર્દાથ ને કારણે સૌરભે જીવ ગુમાવ્યો હોવાનું મનાય છે.

આફ્રિકન વિદ્યાર્થીઓને કારણે પારુલ યુનિ. ડ્રગ્સનો અડ્ડો બન્યું?

પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓને કારણે ડ્રગ્સનું દૂષણ વધ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ ડ્રગ્સ, ચરસ, ગાંજાની લતે ચઢયા છે અને ખૂલ્લેઆમ તેનો વપરાશ કરે છે. અગાઉ કેટલાય વિદ્યાર્થીઓ આવી પ્રવૃત્તિ કરતાં પોલીસના ચોપડે પણ ચઢયા છે. આ વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક વિદ્યાર્થીઓને પણ વ્યસનીઓ બનાવી દીધા છે.