મહેસાણા : શંખલપુર મંદિર ખાતે આજે શનિવારે નવરાત્રિના પ્રથમ દિવસે ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારણ સાથે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. બહુચરાજી સ્થિતિમાં બહુચરના મંદિર પણ ઘટસ્થાન વિધિ કરવામાં આવી હતી.ભક્તોએ વહેલીસવારથી જ સોશિયલ ડિસ્ટન્સ સાથે બંને મંદિરોમાં દર્શનનો લાભ લીધો હતો. બહુચરાજીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરના ૫૨૦૦ વર્ષ પ્રાચીન સ્થાનકે ઘટ સ્થાપન વિધિનો લાભ ટોડા ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલનાં ધર્મપત્ની મંજુલાબેન પટેલ લીધો હતો. મંદિરનાં દ્વાર સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી ભક્તોને દર્શન માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ ટેમ્પરેચર માપન મશીન અને સેનેટાઈઝ ટનલમાંથી પસાર થયા બાદ મંદિરમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાઈ છે. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિને લઇ માતાજીને રૂડો શણગાર કરાયો છે, અહીં મંદિર પરિસર દિવસભર ભક્તોની આવન-જાવનથી ધમધમતું રહ્યું હતું. પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં આજે નવલા નોરતાનો મંગલમય પ્રારંભ થયો હતો, નવરાત્રિના પ્રારંભે વહેલી સવારે ૭ઃ૩૦ શુભ મુહૂર્ત મંદિરના ટેમ્પલ ઇસ્પેક્ટર ભરત પટેલના હસ્તે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી, ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ સંપન્ન થઇ હતી. આ સમયે મા બહુચરના જયનાદથી માહોલ ભક્તિમય બની ગયો હતો. પ્રથમ નોરતે ભક્તોની દર્શન માટે દર વર્ષ કરતાં ઓછી હાજરી જોવા મળી હતી. મંદિરમાં પ્રવેશ પહેલાં હેન્ડ સેનેટાઇઝ, ટેમ્પરેચર માપન બાદ મંદિરમાં પ્રવેશ અપાયો હતો.