લોકસત્તા વિશેષ તા. ૧૦

વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં સત્તાના સુત્રો સંભાળ્યાના એક વર્ષની ઉજવણી કરી રહેલા મેયર કેયુર રોકડીયાને કદ પ્રમાણ વેતરવા માટે હંમેશા તત્પર રહેતા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે વધુ એક વખત ખોંખારો ખાધો છે. કોર્પોરેશનમાં આગામી દિવસોમાં થનાર ભરતી પ્રક્રિયામાં પોતાનો હાથ ઉપર રહે તે દિશામાં તેઓએ પ્રયાસ શરૃ કરી દીધા છે. જેમાં બુધવારે ભાજપના તમામ વોર્ડ પ્રમુખોએ શહેર ભાજપ પ્રમુખ સાથે આ મામલે એક બેઠક કરી કોર્પોરેશનની ભરતીમાં તેઓએ સુચવેલા લોકોને લેવામાં આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં ડો. વિજય શાહે જુદા જુદા વોર્ડના પ્રમુખોને અભય વચન આપી જાણે કોર્પોરેશનનો વહીવટ તેમના હાથમાં હોય તેમ ભરતીમાં ભલામણો ધ્યાને લેવા જણાવ્યું હતું. ત્યારે કોર્પોરેશનની આગામી ભરતી લાયકાત આધારે નહીં પરંતુ શહેર ભાજપ પ્રમુખની દયા પર ર્નિભર હશે તેમ સામે આવ્યું છે.વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ ભરતી પ્રક્રિયા ગુણ, દોષ અને લાયકાત આધારે થાય તે જરૃરી છે. પરંતુ કોર્પોરેશન એટલે કે અર્ધસરકારી નોકરી માટે આ બાબતોના બદલે ભાજપ પ્રમુખને લાગવગ કામે લગાડવાનો ખેલ શરૃ થયો છે. જેમાં ડો. વિજય શાહે એક કાંકરે બે પક્ષી મારવાની રમત ફરી શરૃ કરી છે. જેમાં સંગઠનની ટીમને તેમની વફાદાર બનાવી દેવાય અને બીજી તરફ કોર્પોરેશનમાં સત્તા અને સંચાલન જેઓના આધિન છે તેવા મેયર કેયર રોકડીયાને પક્ષ સંગઠનના નિર્દેશનું પાલન કરાવી કદ પ્રમાણે વેતરી પણ નંખાય.લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર બુધવારે વડોદરા શહેર ભાજપ પ્રમુખે શહેરના તમામ ૧૯ ઈલેકશન વોર્ડના પ્રમુખ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોર્પોરેશનમાં થનાર ભરતી પ્રક્રિયાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં દરેક વોર્ડ પ્રમુખની ભલામણ લઈ તેઓને કોર્પોરેશનમાં નોકરી મળે તેવી વ્યવસ્થા કરવા રજુઆત થતાં જ શહેર પ્રમુખે આ મામલે વોર્ડ પ્રમુખોને અભય વચન આપ્યું હતું.

ભૂતકાળમાં સૌરાષ્ટ્ર લોબી હાવી થઈ હતી તેની આડ લેવાશે

અગાઉ પણ કોર્પોરેશનમાં થયેલી ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર લોબીના મોટાભાગના લોકો લેવામાં આવ્યા હોવાની યાદી ભાજપના ગ્રુપોમાં વાઈરલ થઈ હતી. આ મામલે બુધવારે મેયરે બોલાવેલી પત્રકાર પરિષદમાં પણ પ્રશ્ન પુછવામાં આવતા શહેર ભાજપ પ્રમુખે મેયર વતી જવાબ આપી આ વખતે ભરતી પ્રક્રિયામાં સંગઠનની નજર છે અને ભૂતકાળમાં સ્થાનિકોને પ્રાધાન્ય નહીં મળ્યું હોય આ વખતે તેનું પુરતું ધ્યાન રખાશે તેવી જાહેરાત કરાઈ હતી. જેની આડમાં આખી ભરતી પ્રક્રિયા સંગઠનને આધિન થાય તેવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

આવી વ્યવસ્થા કદાય ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન આપશે

કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયામાં નિયમ મુજબ લેખિત પરીક્ષા લેવાય, અનુભવ, લાયકાત અને પર્સનલ ઈન્ટરવ્યુના કોઠા પાસ કરી આખરી પસંદગી યાદીમાં આવનાર યુવાનોને નોકરીમાં તક મળે તે સ્વાભાવિક છે. પરંતુ શહેર ભાજપ પ્રમુખ સાથેની બેઠક બાદ ગેલમાં આવેલા કેટલાક વોર્ડ પ્રમુખોએ ઉમેદવારો શોધવાનું શરૃ કર્યું છે. ત્યારે આ પ્રક્રારની વ્યવસ્થા કદાચ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે તેવી શંકા ખુદ ભાજપના કેટલાક લોકોએ વ્યક્ત કરી છે.