રોમ

વિશ્વના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ટેલર ફ્રિટ્‌ઝને હરાવી આગળ વધ્યો હતો. જો કે આ મેચમાં કંઈક એવું બન્યું હતું, જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા છે. હકીકતમાં જોકોવિચે મેચ દરમિયાન પિત્તો ગુમાવ્યો હતો. વરસાદથી પ્રભાવિત બીજા રાઉન્ડની મેચમાં જોકોવિચે એક સમયે અમ્પાયર પર ચીસો પાડ્યો. જો કે, આ પછી તેણે પોતાની જાતને સંભાળ્યો.

હકીકતમાં બીજા સેટ દરમિયાન વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને આવી સ્થિતિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જોકોવિચ ગુસ્સે ભરાયો હતો. તેણે અમ્પાયરને ચીસો પાડી કહ્યું 'તમે ક્યાં સુધી આ મેચ ચાલુ રાખવા માંગો છો. મેં તમને ત્રણ વાર કહ્યું પણ તમે તે તરફ ધ્યાન આપ્યું નહીં.

ઇટાલિયન ઓપનમાં પાંચ વખતનો વિજેતા જોકોવિચે આ મેચમાં આખરે અમેરિકન ખેલાડી ફિટ્‌ઝને ૬-૩, ૭-૬ (૫) થી હરાવ્યો. જોકોવિચ આગળ ક્વોલિફાયર અલેજાન્ડ્રો ડેવિડોવિચ ફોકિના અને કેમેરોન નોરી વચ્ચેની મેચની વિજેતા સાથે હરીફાઈ કરશે. ફોકિનાએ અગાઉ ૧૬ મી ક્રમાંકિત ગ્રિગોર દિમિત્રોવને ૬-૪, ૭-૬ (૨ )થી અસ્વસ્થ બનાવ્યો હતો.

ઇટાલિયન ઓપન મહિલા કેટેગરીમાં, પૂર્વ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન યેલેના ઓસ્ટાપેન્કોએ ૧૬ મી ક્રમાંકિત યોહાના કોન્ટાને ૬-૩, ૬-૧થી અને ક્રિસ્ટિના મલાડેનોવિચે ૧૦ મી ક્રમાંકિત બેલિંડા બેનચિચને ૬-૩, ૬-૪થી હરાવી. તે જ સમયે મેડિસન કીઝે દેશબંધુ સલોની સ્ટીફન્સને ૪-૬, ૬-૨, ૭-૫થી હરાવ્યો.