સિ઼ડની

બ્રિસબેનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સીરીઝની અંતિમ ટેસ્ટ પર સંકટ ઘેરાતુ જઈ રહ્યુ છે. આ મામલામાં અત્યાર સુધી માત્ર ભારતીય ટીમના તરફથી પોતાની નારાજગી દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ અધિકારીક રીતે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાની સામે પોતાની અડચણોને રજૂ કરી છે. ન્યૂઝ એજન્સી PTIના રીપોર્ટ મુજબ ભારતીય બોર્ડ દ્વારા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા સીરીઝ પહેલા થયેલી સમજૂતીને યાદ કરાવવામાં આવી છે. જેમાં બે વાર આકરા ક્વોરન્ટાઈનનો ઉલ્લેખ નહોતો. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ છે, કે તે પોતાના ખેલાડીઓ માટે બ્રિસબેનમાં IPLની માફક જ હોટલ ક્વોરન્ટાઈન કરવા માંગે છે. જેમાં ખેલાડીઓને એક બીજાથી મળવાની પરવાનગી હતી. 

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો હાલમાં સિડનીમાં છે, જ્યાં હાલ બંને દેશ વચ્ચેની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. સિડનીમાં જ પાછલા કેટલાક સપ્તાહ દરમ્યાન કોરોના કેસોનું પ્રમાણ ઝડપથી વધ્યુ હતુ. જેના બાદ ક્વિસલેન્ડ સરકાર દ્વારા પોતાની બોર્ડરોને બંધ કરી દેવાઈ હતી. જોકે રાજ્ય સરકારે બ્રિસબેનમાં રમાનારી મેચને લઈને બંને ટીમો અને બ્રોડકાસ્ટીંગ સ્ટાફને પ્રવેશની મંજૂરી આપી હતી. જોકે દરેકે હોટલથી મેદાન વચ્ચેની જ આવન જાવનની જ પરવાનગી આપી છે. એટલે સુધી કે હોટલમાં પણ ખેલાડીઓ એકબીજાને નહીં મળી શકે તેવી પાબંધીઓ લગાવી છે. 

ક્વિસલેન્ડ સરકાર દ્વારા લગાવેલી શર્તોને લઈને ભારતીય ટીમે આપત્તી દર્શાવી હતી. ત્યારબાદ સમાચારો ચમકવા લાગ્યા હતા કે, ભારતીય ટીમ બ્રિસબેન જવા ઈચ્છુક નથી. હવે અધિકારીક રીતે જ બીસીસીઆઈએ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને આ અંગે પત્ર લખી જાણકારી આપી છે. BCCIના સુત્રો મુજબ બોર્ડના સિનીયર અધિકારીઓએ સીએ ચેરમેન અર્લ એડિંગ્સને  પત્ર લખીને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગની યાદ અપાવી હતી. સુત્ર મુજબ આ મુદ્દા પર વાતચીત જારી છે, પરંતુ BCCI એ ઔપચારીક રુપે પત્ર લખ્યો છે, કહ્યુ છે કે જો બ્રિસબેનમાં મેચ રમવી હશે તો ક્વોરન્ટાઈનના નિયમોમાં છુટછાટ ઈચ્છીશુ. જે MoUમાં સાઈન કર્યા હતા. જેમાં બે આકરા ક્વોરન્ટાઈનની વાત નહોતી. ભારતે અગાઉ પણ સિડનીમાં આકરા ક્વોરન્ટાઈનનું પાલન કર્યુ છે. 

BCCIના અધિકારીએ બતાવ્યુ હતુ કે, IPLની માફક બાયોબબલનું પાલન ખેલાડીઓ ઈચ્છી રહ્યા છે. જેમાં હોટલમાં સાથીઓ એકબીજાને હળી મળી શકે છે. સાથે ભોજન લઈ શકે છે અને સાથે ટીમ મીટીંગ પણ કરી શકે છે. આ કોઈ મોટી માંગ નથી. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લઈને મળી રહેલી જાણકારી મુજબ ખેલાડીઓને હોટલની અંદર મળવાની છુટ છે. પરંતુ એક ફ્લોર પર રહેવાવાળા ખેલાડીઓને એકબીજાથી મળવાની છુટ છે. બીજા ફ્લોર પર રહેવાવાળા ખેલાડીઓને મળવાની છુટ નથી. BCCI એ જોકે છુટછાટ અંગેની જાણકારી લેખિતમાં પુરી પાડવા અંગે પણ સીએને કહ્યુ છે.