મુંબઇ 

ડ્રગ્સ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ તેના પડોશી ડિમ્પલ થવાની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે CBIને ફરિયાદ કરી છે. ફરિયાદમાં રિયાએ કહ્યું કે ડિમ્પલે ખોટું સ્ટેટમેન્ટ આપીને તપાસને ભટકાવવાના પ્રયાસ કર્યા છે. સુશાંત કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તપાસ CBI કરી રહી છે.

રિયાએ CBIને જે લેટર લખ્યો તેમાં કહેવામાં આવ્યું છે કે તેની પડોશી ડિમ્પલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 13 જૂને રાત્રે સુશાંત સિંહ રાજપૂત રિયાને છોડવા તેની બિલ્ડિંગ સુધી આવ્યો હતો. તેના સ્ટેટમેન્ટના આધારે મીડિયાના એક વર્ગમાં સુશાંતના મૃત્યુ પર સવાલ ઉઠાવનારા ઘણા રિપોર્ટ જાહેર થયા હતા. સૂત્રોનું કહેવું છે કે આ આરોપો પર CBIએ રિયાની પડોશીની પુછપરછ કરી તો તેનું સ્ટેટમેન્ટ ખોટું નીકળ્યું, ત્યારબાદ CBIના અધિકારીઓએ તેમને કડક શબ્દોમાં કહીને છોડી દીધા હતા. હવે આ બાબતે રિયાએ કાર્યવાહીની માગ કરી છે.


એક ચેનલ મુજબ, રિયાની પડોશી ડિમ્પલે દાવો કર્યો હતો કે 13 જૂને સાંજે સુશાંત રિયાને 6થી 6:30 વચ્ચે ઘરે મુકવા આવ્યો હતો. સુશાંત એકલો જ રિયાને મુકવા આવ્યો હતો. જ્યારે CBI તપાસ માટે રિયાના ઘરે ગઈ તો આવા કોઈ પુરાવા નથી મળ્યા.

રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયા જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે રિયા તેના વિરુદ્ધ ખોટા આરોપ લગાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરશે. તેણે કહ્યું હતું કે, 'અમે ટીવી અને ઇલેક્ટ્રોનિક મીડિયા સામે ખોટા અને નકલી દાવા કરનારા લોકોનું એક લિસ્ટ CBIને મોકલવાના છીએ.'